Dakshin Gujarat

ધરમપુરમાં 4, વલસાડમાં 3 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વાપી, પારડી : વલસાડ જિલ્લામાં (Valsad District) સતત વરસી રહેલા વરસાદે સોમવારે પણ ગતિ ચાલુ રાખી હતી. સમગ્ર જિલ્લામાં રવિવારે સાંજે 6 થી સોમવારે સાંજે 6 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ (Rain) ધરમપુરમાં (Dharampur) 92 મીમી અને વલસાડમાં 69 મીમી વરસ્યો હતો. જ્યારે વાપીમાં પોણા ત્રણ મી.મી., પારડી-કપરાડામાં 2 ઈંચ અને ઉમરગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે પારડી રેલવે સ્ટેશનનું (Railway Station) ફાટક તૂટી પડ્યું હતું. જોકે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

પારડી રેલવે સ્ટેશન પાસે આવેલું રેલવે ફાટક અચાનક વરસાદના કારણે ધસી પડ્યું હતું. સદનસીબે મોટી ઘટના અટકી હતી. પારડી રેલવે સ્ટેશનમાં રેલવે ફાટકના બંને ગેટ પૈકી એક ગેટ અચાનક વરસાદના કારણે સિમેન્ટના બાંધકામ સાથે બાજુમાં આવેલા ખાડામાં ધસી પડ્યો હતો. એક તરફનો ગેટ અચાનક ખાડામાં ખાબકતાં અવર જવર કરતા લોકો ઉપર પડ્યો ન હતો, જે સાઇડના ખાડામાં પડ્યો હતો. વજનદાર ફાટકના લીધે થનાર મોટી ઘટના અટકી હતી. રેલવે વિભાગના કર્મચારીઓને જાણ થતાં દોડી આવ્યા હતા. એક તરફ ચાવી વાળા ગેટને બંધ કરીને ટ્રાફિક હેન્ડલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

  • વલસાડ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • ધરમપુર 92 મીમી
  • વલસાડ 69 મીમી
  • વાપી 63 મીમી
  • પારડી 54 મીમી
  • કપરાડા 54 મીમી
  • ઉમરગામ 22 મીમી

ધરમપુરમાં અતિ ભારે વરસાદથી ગૌરવપથ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો
ધરમપુર : ધરમપુર પંથકમાં વહેલી સવારથી અતિ ભારે વરસાદને પગલે નગરના ગૌરવપથ, સરકારી હોસ્પિટલ પાસે નટવર પાર્ક, કોઠી ફળિયા સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં 3 થી 4 ઝુંપડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ધરમપુરની સ્વર્ગવાહિની નદી બન્ને કાંઠે વહેતા નદી કિનારે આવેલા 3 થી 4 ઝુપડામાં વરસાદી પાણી ઘૂસી જતાં રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નદી કિનારે આવેલા કોઠી ફળિયાના રહીશોના ઘરના ઓટલા સુધી પાણી પહોંચી જતાં લોકોની હાલત કફોડી બની હતી. સરકારી હોસ્પિટલ નજીક ગૌરવ પથ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા આ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટર તથા હોસ્પિટલમાં અવરજવર જવર કરતાં સથાનિક લોકોની હાલત કફોડી બની ગઈ હતી. જો કે, ગૌરવપથ તથા નટવર પાર્ક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.

ધરમપુરના ભવાડા ચૌઢા ગામે કોઝવે પરથી પસાર થતો આધેડ તણાયો
ધરમપુરના ભવાડા ગામના પીળ ફળિયાના છનીયા કુહલુ ભુજાડા સોમવારે સવારે પોતાના કામ અર્થે ચોઢા ગયા હતા. બાદ કામ પતાવી પરત ઘરે આવતી વખતે તાન નદીના કોઝવે ઉપરથી પસાર થતાં નદીના વહેણમાં તણાયો હતો. ભારે કરતાં કોઈ પત્તો નહીં લાગતા ધરમપુર પોલીસ મથકે ભાવેશ બાલુએ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top