ગુજરાતી ફિલ્મોમાં હવે પ્રતિક ગાંધી, મલ્હાર ઠક્કર, યશ સોની જેવા અભિનેતા સાથે રોનક કામદારની પણ રોનક છે. ‘હતુતુતુ આવી રમતોની ઋતુ’, ‘તું તો ગયો’, ‘ફેમિલી સરકસ’, ‘હવે થશે બાપ રે બાપ’, ‘ચસકેલા’ જેવી ફિલ્મોને વેબ સિરીઝ વડે તેણે લોકપ્રિયતા મેળવી છે. હમણાં ‘21મું ટિકીન’માં તેઓ નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી સાથે હતા ને હવે ‘ચબૂતરો’, ‘લકીરો’, ‘નાડીદોષ’ સહિતની ફિલ્મોમાં આવી રહેલા રોનક કામદાર હેન્ડસમ તો છે પણ સાથે જ ગુજરાતી ફિલ્મો માટે સમર્પિત છે. આવતી કાલની સિનેમાને ઘડવામાં રોનક પણ એક છે એવું જરૂર કહી શકો. તો વાંચો તેઓ શું કહે છે ગુજરાતી ફિલ્મો, અભિનય ને આવતી કાલ વિશે. અત્યારે ગુજરાતી ફિલ્મોનો જે ટ્રેન્ડ બદલાયો છે તેમાંની ફિલ્મોમાં તમે કામ કર્યું છે. તમે મુંબઇમાં જન્મેલા-ઉછરેલા-ભણેલા છો ને ગુજરાતી ફિલ્મોમાં છો તો તમારે મન ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો અર્થ શો છે?
રોનક કામદાર: ગુજરાતી ફિલ્મો આપણી ગુજરાતી જિંદગીનું પ્રતિબિંબ છે. જે આપણે જીવી રહ્યા છે તેનું નાટ્યાત્મક પ્રતિબિંબ છે. ગુજરાતી કુટુંબ, તેની લાગણીઓ, ગુજરાતીઓની મૈત્રી, ગુજરાતી શહેરો એ બધું આ ફિલ્મોમાં છે. મરાઠી ફિલ્મો જે રીતે મરાઠી બને, મલયાલમ કે તેલુગુ ફિલ્મ જે રીતે તેમના સમાજની બને તેમ ગુજરાતી ફિલ્મો ગુજરાતી સમાજ અને સંસ્કારની છે. ગુજરાતીનો પ્રેક્ષક એ કારણે જ અમારી સાથે જોડાઇ શકે છે. ગુજરાતીપણાની શોધ કરવી એજ અર્થ છે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો.
અત્યારે વિષયમાં ઘણા પ્રયોગ થઇ રહ્યા છે. ફિલ્મ બનાવવાની રીતો બદલાઇ રહી છે. શું ગુજરાતીનો પ્રેક્ષક તેનાથી ખુશ થશે?
રોનક કામદાર: ગુજરાતીઓ મૂળથી જ પ્રયોગવૃત્તિના છે. દેશ-દેશાવર ફરે છે, રહે છે. સતત પ્રવાસો કરે છે. અનેક પ્રકારના ખાણા અપનાવે છે. તેઓ ફિલ્મો પણ અનેક પ્રકારની અને ભાષાની જુએ છે. એટલે તેઓ પ્રયોગો પચાવે તેવા છે. ‘કેવી રીતે જઇશ’, ‘હેલ્લારો’ ને હમણાં ‘21મું ટિફીન’ પણ તેમણે વધાવી લીધી એ પોતે જ સૂચવે છે કે ગુજરાતીઓને વૈવિધ્ય મંજૂર છે.
ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડીયા, અસરાની, વિક્રમ રાઠોડ સહિતના સહુની ફિલ્મો બની ને બધાએ અપનાવી. આજે પણ એ એવું જ હોવું જોઇએ. ફિલ્મની શૈલીનું વૈવિધ્ય રહે તો બધા જ પ્રકારના પ્રેક્ષક પણ ખુશ રહેશે.
ગુજરાતી ફિલ્મોમાં જે જે બદલાઇ રહ્યું છે તે શું છે?
રોનક કામદાર: વિષયથી માંડી ટેકનિકલી પણ ફિલ્મો બદલાઇ રહી છે. સિનેમા ઇન્ટિસ્ટયૂટમાંથી દિગ્દર્શન, કેમેરા વર્ક, સાઉન્ડ એંજિનીયર થયેલી નવી પેઢી આવી ગઇ છે ને તેમને લાગે છે કે ગુજરાતીમાં અમને કમાણી પણ થશે ને કશુંક નવું પણ કરી શકીશું. મારી જ એક ‘લકીરો’ નામની ફિલ્મ આવી રહી છે.
ગુજરાતીમાં પરેશ રાવલ પણ ફરી કામ કરી રહ્યા છે. પ્રતિક ગાંધી હિન્દીમાં વ્યસ્ત થવા છતાં હમણાં જ દીક્ષા જોષી સાથેની વધુ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. મનોજ જોશી, ફ્રેડી દારુવાલા પણ હિન્દી સાથે ગુજરાતીમાં કામ કરે છે. ગુજરાતી ફિલ્મોનો આ ઉત્તેજક સમય છે.
તમે ‘ફ્રેન્ડ ઝોન’, ‘ચસકેલા’ સહિતની વેબ સિરીઝ કરી છે પણ એ બધી ઓછા એપિસોડની હોય છે. ગુજરાતીમાં હજુ વધારે એપિસોડના વેબ શો બનતા નથી.
રોનક કામદાર: ના, ના. લોકડાઉન પહેલા જ અમે જે વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું તે 9 એપિસોડની છે અને તેના નિર્માતા જે.ડી. મજિઠીયા છે. વિષ્ણુદેવ યાજ્ઞિક તેના દિગ્દર્શક છે અને વિષયથી માંડી બધું જ એવું છે કે આ વેબસિરીઝ પ્રેક્ષકોને ગમશે.
વાત એમ છે કે ગુજરાતી ફિલ્મો ને વેબ સિરીઝનું પ્લેટફોર્મ બની રહ્યું છે. દક્ષિણમાં 100-100 કરોડની ફિલ્મછે એવું ગુજરાતીમાં ય બને એવો સમય આવશે અને એવા સંજોગ સર્જવામાં અમે હોઇશું તો તે અમને આનંદ હશે. હવે ગુજરાતી ફિલ્મમાં વધારે નાણા રોકનારા આવી રહ્યા છે. નવી પેઢી એકયુગ ખડો કરવા પ્રયત્ન કરી રહી છે.
તમે મુંબઇના છો અને ત્યાં હિન્દી ફિલ્મો, ટી.વી. સિરીયલો, વેબ સિરીઝનું ખૂબ કામ થઇ રહ્યું છે. તમે ગુજરાતીમાં કામ કરો છો.
રોનક કામદાર: ટી.વી.માં મને રસ નથી. ફિલ્મ અને વેબ સિરીઝમાં રસ છે. હિન્દીમાં કામ કરવાનો વાંધો નથી પણ ગુજરાતીમાં કામ કરી નામ બનાવી હિન્દીમાં જાઉં તો ગુજરાતી તરીકે મને વધુ સારુ લાગે. માટે હિન્દીથી ઓળખ બનાવી ગુજરાતીમાં કામ નથી કરવું. ગુજરાતીમાં કામ કરું તે મારે મન વધારે અગત્યનું છે. એ મારું ઘર, મારો સમાજ, મારી ભાષા છે. મારે હિન્દીના અભિનેતા તરીકે ઓળખ નથી બનાવવી. ગુજરાતી ફિલ્મ બદલાઇ રહી છે એ પેઢીનો હું અભિનેતા છું મને તેનું ગૌરવ છે. મને તેમાં મઝા આવે છે.
‘21મું ટિફીન’ હમણાં જ આવી. પ્રેક્ષકોએ તેને જે રીતે અપનાવી તેનાથી ખુશ છે.
રોનક કામદાર: એકદમ ખુશ છીએ. બધાએ જ વખાણી છે. વિજયગિરી બાવાએ જે રીતે ફિલ્મ બનાવવી જરૂરી લાગે એ જ રીતે બનાવી છે. સબસીડી મેળવવા બે કલાકની બનાવો ને તેમાં ઉમેરણ કરો એવું નથી કર્યું. પ્રેક્ષકોને આ પ્રામાણિક પ્રયાસ ગમ્યો છે.
તમે હવે જે ફિલ્મોમાં કામ કરી રહ્યાછો તે કઇ છે.
રોનક કામદાર: એક છે ‘નાડી દોષ’. બહુ સારો વિષય છે. આ ઉપરાંત ‘ચબૂતરો’ ફિલ્મ છે. જેમાં અંજલી બારોટ હીરોઇન છે કે જે ‘સ્કેમ-’92’માં પ્રતિક ગાંધીની પત્નીની ભૂમિકામાં હતી. અન્ય એક ફિલ્મ ‘લકીરો’ છે જેનું શૂટિંગ ચાર દિવસ પહેલાં પૂરું થયું છે. ‘ચબૂતરો’ના શૂટિંગ માટે શિકાગો જવાનું છે. હવે ગુજરાતી ફિલ્મોના શૂટિંગ વિદેશ પણ થવા શરૂ થયા છે.
તમારે એક અભિનેતા તરીકે કેવી કેવી ભૂમિકાઓ ભજવવી છે?
રોનક કામદાર: વૈવિધ્ય સાથે ભૂમિકાઓ કરવી છે. હીરો જ નહીં, ચરિત્ર ભૂમિકા પણ કરવી છે. નેગેટીવ રોલ પણ કરીશ.