વાપી : વાપી (Vapi) રેલવે પાર્સલ (Railway Parcel) ઓફિસમાં 9 માસ પહેલાં અમદાવાદથી આવેલા 9 પાર્સલો શંકાસ્પદ જણાતા પાર્સલ કર્મીએ રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે પાર્સલ ખોલી તેમાંથી નમૂના લઈ એફએસએલમાં (FSL) મોકલી આપ્યા હતા. જેનો રિપોર્ટ ગુરૂવારે આવતાં પાર્સલમાં ગાંજો (Cannabis) હોવાનું ફલિત થયું હતું. રેલવે પોલીસે ગાંજો મંગાવનાર અને મોકલનાર સહિત 6 જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપીના યુવાધનને ગેરમાર્ગે દોરી નશામાં ચકચૂર બનાવાના કૌભાંડનો પર્દાફાશ નવ માસ બાદ થતાં પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે. આ કેસમાં ઝડપાયેલા 4 આરોપીને સુરત રેલવે પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સોમવાર સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રેલવે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી રેલવે પાર્સલ ઓફિસમાં ગત 30/06/21 અને 07/07/21ના રોજ ટ્રેનમાં બુક કરીને લખનૌથી અમદાવાદ અને ત્યાંથી વાપી આવેલા 9 પાર્સલ શંકાસ્પદ હોવાનું જણાતા ઓફિસના કર્મીએ રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પાર્સલ ઓફિસમાં આવેલા પાર્સલોને ખોલીને ચેક કરવાતાં તેમાં નશાયુક્ત માદક પદાર્થ હોવાનું જણાયું હતું.
પોલીસે એફએસએલને જાણ કરી પાર્સલ ઓફિસમાં બોલાવી નમૂના લઈ સેમ્પલ મોકલી આપ્યા હતા. જેને રિપાર્ટ નવ માસ બાદ આવતાં તે પાર્સલમાં મંગાવેલો સામાન ગાંજો નિકળ્યો હતો. પાર્સલ ફરી ચેક કરતાં તેમાંથી ‘જોશ મુનક્કા’ લખેલી ગાંજાની ટિકડી સ્વરૂપે પેકેટ મળી આવ્યા હતા. આ કેસમાં એફએસએલના રિપોર્ટ બાદ રેલવે પોલીસે ગુરૂવારે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
રેલવે પોલીસે કૃણાલ શૈલેષ હરિયાવાલા (રહે. રામા રેસિડન્સી, નામધા રોડ-વાપી), અજમલ ઈસરારખાન અને ઈસરાર મજારખાન (બાપ-દીકરા બંને રહે. સરવૈયા નગર, એમએમ પાર્ક-વાપી), મહમદ ફારૂક અબ્દુલ મજીદ મન્સુરી (રહે. રખિયાલ-અમદાવાદ)ની ધરપકડ કરી પાર્સલ મંગાવનાર રાજકુમાર ઉર્ફે રાજેશ ભગવતી પ્રસાદ યાદવ (રહે. યુપી) અને ઉમેશ (રહે. લખનૌ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસની વધુ તપાસ કરતા સુરત રેલવે પોલીસના પીઆઈ કે.એમ.ચૌધરીએ 4 આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 4 દિવસના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.