વાપી: (Vapi) વાપી રેલવે ઓવરબ્રિજને (Railway Over Bridge) તોડવાનું કામ શનિવારથી શરૂ કરવામાં આવ્યું હતું. વાપી રેલવે સ્ટેશન પાસે રેલવે (Railway) ટ્રેકની બરાબર ઉપર જેસીબીથી બ્રિજને તોડવા પહેલા અહીં કોઈ પણ જાતની સલામતીની વ્યવસ્થા જોવા મળી નથી. જેસીબીથી (JCB) બ્રિજને ઉપરથી તોડવાનું શરૂ કરાતા સિમેન્ટની રચકણો નીચે ઉડીને લોકો ઉપર આવતી જોવા મળી હતી. બ્રિજ તોડવા માટે કોઈ એજન્સીને કામ સોંપ્યું હોય તો પણ સરકારી તંત્રએ લોકોની જાનમાલની રક્ષા કરવા માટે તકેદારીના પગલા લેવાની જરૂર હતી.
- વાપીનો રેલવે ઓવરબ્રિજ સલામતી વ્યવસ્થા વગર જ તોડવાનો શરૂ કર્યો
- રેલવે ટ્રેકની બરાબર બાજુમાં જેસીબીથી બ્રિજને તોડવાનું શરૂ કરાતા નુકશાન થવાની દહેશત
જે પ્રકારે જેસીબીથી બ્રિજને તોડવાનું શરૂ કરાયું છે તે જોતા બ્રિજની નીચે જાળી બાંધીને કે પછી આ આખા વિસ્તારને કોર્ડન કરીને લોકોને દૂર રાખી આ કામગીરી થવી જોઈએ. આ રીતે કામ થશે તો લોકોને નુકશાન પણ થઈ શકે છે. માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ અહીં ધ્યાન આપવાની જરૂર છે. વાપીનો બ્રિજ શહેરની મધ્યમાંથી પસાર થતો હોવાથી તેના બાંધકામ કરતા તેને તોડવાનું કામ ઘણું કપરું કામ છે. તેનું ધ્યાન રાખવાની જરૂર છે. લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવે તે બેહદ જરૂરી છે. શનિવારે જયારે એક તરફ ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જેસીબીથી બ્રિજ તોડવાના કામની સિમેન્ટની રજકણો નીચે આવતી હતી. જે લોકો માટે નુકશાન પણ કરી શકે છે. તંત્ર સફાળા જાગવાની જરૂર છે.
વાપીમાં દુરંતો એક્સપ્રેસની અડફેટે અજાણ્યો કપાયો
વાપી: વાપી રેલવે સ્ટેશન નજીક ગુરૂવારે રાત્રે લાઈન ક્રોસ કરી રહેલો અજાણ્યો 60 વર્ષીય ઈસમ દુરન્તો એક્સપ્રેસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો. વાપી રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી નોંધ મુજબ મૃત્યુ પામનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૬૦ ના આશરાનો ગત તા. 23-12-22ના રોજ રાત્રે 2:30 કલાકે વાપી રેલવે સ્ટેશનની ઉત્તરે ડાઉન રેલ્વે લાઇન ઉપર ટ્રેન નં.૧૨૨૯૮ દુરન્તો સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતાં સંપુર્ણ શરીરે કપાઇ છુંદાઇ જતાં મોતને ભેટ્યો હતો. વાપી રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે દફ્તરે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર અજાણ્યો પુરુષ શરીરે મધ્યમ બાધાંનો, રંગે ઘઉંવર્ણ, ઉંચાઇ ૫ x ૪ છે. તેણે પહેરેલાં કપડાંમાં શરીરે આસમાની કલરનું શર્ટ તથા તેની નીચે લાલ કલરની બનિયાન તથા કોફી કલરનુ ગરમ સ્વેટર પહેરેલ છે.વધુ તપાસ પોકો.નરેશભાઈ કરી રહ્યાં છે.