Dakshin Gujarat

સુરતમાં વકીલાત કરતી ગર્ભવતી પત્નીને બલીઠાના પતિએ પેટમાં મુક્કો માર્યો

વાપી: (Vapi) સુરતમાં રહેતી અને વકીલાત કરતી ગર્ભવતી પત્નીને (Wife) બલીઠામાં આવેલી હોસ્પિટલના પાર્કિંગમાં પતિ અને નણંદે ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા પતિએ ગર્ભવતી પત્નીને પેટમાં મુક્કો માર્યો હતો. જે બાદ પિતાને ધક્કો મારતા હાથના ભાગે ફ્રેકચર થયું હતું. જ્યારે નણંદે માતા અને બહેન સાથે ઝપાઝપી કરી હતી. આ બનાવ અંગે પરિણીતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં પતિ-સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.

  • સુરતમાં વકીલાત કરતી ગર્ભવતી પત્નીને બલીઠાના પતિએ પેટમાં મુક્કો માર્યો
  • પિતાને ધક્કો મારતા હાથના ભાગે ફ્રેકચર, નણંદે માતા અને બહેન સાથે ઝપાઝપી કરતા વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ

વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, અડાજણ સુરતમાં રહેતી અને વકીલાત કરતી મહિલા વકીલના લગ્ન વર્ષ 2023 માં સમાજના રિત-રિવાજ મુજબ પારડી તાલુકામાં રહેતા એક બ્રાહ્મણ યુવાન સાથે થયા હતાં. જે બાદ સાસરે રહી વકીલાતની પ્રેક્ટિસ કરતી હતી. ત્યારબાદ પતિ સામાન્ય વાતમાં ગુસ્સે થઈ માર મારતો હતો. લગ્નસમયગાળા દરમિયાન પરિણીતા ગર્ભવતી બની હતી. જે બાદ કાકા સસરા અને કાકી સાસુએ તેઓની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. જે બાદ હતાશ થયેલી પરિણીતા પિયર રહેવા માટે આવી ગઈ હતી. જે બાદ નણંદે વીડિયો કોલ કર્યો હતો ત્યારે તેઓએ ઘરના બધા ખરાબ વ્યવહાર કરે છેનું કહ્યું હતું.

પરિણીતા ગર્ભવતિ હોય વાપી બલીઠામાં આવેલી વાઈબ્રન્ટ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ કરાવતી હતી. પ્રેગ્નન્સીની ફાઈલ સાસરે હોવાથી તેઓએ પતિને ફોન કરી ફાઈલ લાવવાનું જણાવ્યું હતું. પરિણીતા માતા-પિતા અને મોટી બહેન સાથે બલીઠા હોસ્પિટલ પહોંચ્યા હતાં. જે બાદ પતિ, સસરા અને નણંદ ત્યાં આવ્યા હતા અને પરિણીતાએ બાળક માટે વાતચીત કરતી હતી તે સમયે પતિએ એક કાગળ આપી સહી કરવાનું જણાવતા પરિણીતાએ સહી કરેલી નહીં અને કાગળ માતાના હાથમાં હોય નણંદે હાથ મચકોડી કાગળ લઈ લીધો હતો.

જે બાદ પતિએ પરિણીતાને લાફા ચોડી દીધા હતા અને ઉશ્કેરાઈ જઈ પેટના ભાગે મુક્કો મારી દીધો હતો. જે બાદ ગર્ભવતી પરિણીતાને લોહી નીકળવાનું ચાલુ થયું હતું. જે બાદ પતિએ પિતાને ધક્કો મારી નીચે પાડી દેતા પિતાના હાથમાં ફ્રેકચર થયું હતું. જ્યારે બહેન સાથે નણંદે ઝપાઝપી કરી હતી. આ બનાવ અંગે પરણિતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં પતિ-સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top