નવસારી, બીલીમોરા : ધમડાછા ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે એક ટ્રકમાં આગ લાગી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે આવી આગ ઉપર પાણીનો મારો કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ધમડાછા ગામે આવેલા ઓવરબ્રિજ પરથી રોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. આજે ધમડાછા ઓવરબ્રિજ પરથી બે ટ્રકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે તે બંને ટ્રકો વચ્ચે અકસ્માત થયો હતો. જેના પગલે માટી ભરેલી હાઈવા ટ્રક નં. જીજે 21 ડબ્લ્યુ 9020 માં આગ લાગી હતી. જે આગ વિકરાળ બનતા ગામજનો બ્રિજ ઉપર દોડી આવ્યા હતા. જોકે ટ્રકમાંથી ચાલક બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. આ ઘટના અંગે ગણદેવી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો કરી આગ કાબુમાં લીધી હતી.
બલીઠામાં કેમિકલ ભરેલું કન્ટેનર પલટી જતા લોકોને આંખોમાં બળતરા તથા શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ
વાપી : વાપી નજીકના બલીઠા હાઈવે પર રાત્રીના સમયે પસાર થઈ રહેલ કેમિકલ ભરેલું કન્ટેનર પલટી ગયું હતું. અકસ્માતે પલટી ગયેલા કન્ટેનરમાંથી કેમિકલ પ્રવાહી માર્ગ ઉપર પ્રસરી ગયું હતું. જેને લઈ અહીંથી પસાર થનારા રાહદારીઓ, વાહનચાલકો તથા આસપાસમાં આવેલા બિલ્ડીંગ-ઓફિસોમાં કામ કરનારાઓને આંખોમાં બળતરા તથા શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ હતી. કેટલાક વાહનચાલકો અને રાહદારીઓએ મોં ઉપર રૂમાલ મૂકી પસાર થવાની નોબત આવી હતી. અકસ્માત થયેલા કન્ટેનરને માર્ગની સાઈડમાં કરી દેવામાં આવ્યું હતું.