SURAT

હિટવેવ વચ્ચે સુરતમાં અચાનક બેભાન થઈ જતાં 7 લોકોના મોત

સુરત: હિટ વેવ વચ્ચે શહેરમાં અચાનક બેભાન થઈ જતાં 7 લોકોના મોત થયા હતા. યુવાથી લઈને વૃદ્ધ સુધીના લોકો કોઈને કોઈ કારણસર બેભાન થઈને મોતને ભેટ્યા છે. મોતનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું પરંતુ હિટવ વેવમાં હિટ સ્ટ્રોકના કારણે પણ તેમનું મોત થયું હોવાની સંભાવના નકારી શકાય નહીં. તમામ ઘટનાની ટુંકમાં વિગત નીચે મુજબ છે.

(1) મૂળ બિહારના વતની અને હાલ વરાછા સંતોષી નગરમાં વલ્લભ અર્જબા મહંતો (40 વર્ષ) રહેતો હતો. વલ્લભ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 13મેના રોજ વલ્લભ ચાલતો ચાલતો વરાછા ગાયત્રી નગર પાસે સર્વિસ રોડ ફ્રૂટ માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તે ઢળી પડ્યો હતો. તેમે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે બપોરે તેનું મોત નિપજ્યું હતું.

(2) મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સિંગણપોર વિસ્તારમાં આવેલ હરિદર્શન ખાડા પાસે 29 વર્ષીય રવિ અભિમાન મરાઠી રહેતો હતો. રવિ મજૂરી કામ કરતો હતો. 19 મેના રોજ રવિ ત્યાં બીમાર હાલતમાં પડ્યો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે બપોરે તેનું મોત નિપજ્યું હતું.
(3) મૂળ બિહારના અને હાલ પર્વતગામ સંતોષ નગરમાં 48 વર્ષીય બીનેશ બીશ્વેશ્વર રામ રહેતો હતો. બીનેશ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાત્રે 8:30 વાગ્યાના સુમારે બીનેશ ઘરમાં જમીને બેઠો હતો. તે સમયે અચાનક તે બેભાન થઈ ગયો હતો. જેથી તેના કાકા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

(4)પાંડેસરા વિસ્તારમાં આવેલ આશાપુરી સોસાયટીમાં મનીષ બ્રીજલાલ રાણા (47 વર્ષ) બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો. મનીષ રસોઇ બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે સાંજે મનીષ ઘરે હતો. તે સમયે તેની તબિયત લથડતાં તેની પત્ની રાધાબેન તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મનીષને કમળો હોવાથી તેનું મોત નિપજ્યું હતું તેમ તેની પત્ની રાધાબેને જણાવ્યું હતું.

(5)પાંડેસરા વિસ્તારમાં આવેલ આકાશ રો હાઉસ પાસેથી 21 મેના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં એક 35 વર્ષીય યુવક ચાલતો જઈ રહ્યો હતો. તે સમયે તેને ખેંચ આવતા તે નીચે ઢળી પડ્યો હતો. જેથી અન્ય રાહદારીઓએ 108 એમ્બ્યૂલન્સ મારફત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે તેનું મોત નિપજ્યું હતું.
(6) મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન સુડા-3 સાંઈનાથ ખાતે શ્રીનિવાસ વિજયમાલા સિંગ (58 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. શ્રીનિવાસ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે બપોરે તે કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે સમયે તેને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

(7) મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં સુરેશ હિરદપ નારાયણ તિવારી (60 વર્ષ) રહેતો હતો અને ત્યાંજ ચાની લારી લગાવતા હતા. શુક્રવારે બપોરે 1 વાગ્યાના અરસામાં સુરેશ લારી ઉપર ચા બનાવી રહ્યા હતા. તે સમયે તે ઢળી પડ્યા હતા. જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top