Charchapatra

વંદે ભારત અને વલસાડ- વડનગર ઈન્ટરસીટી એકસપ્રેસ ટ્રેન

2022નું વિદાય લેતું વર્ષ ગુજરાત અને રેલવે તંત્ર માટે કાયમી યાદગાર બની રહેશે એમાં બેમત નથી. આમ તો અનેક નવી રેલવે લાઈનોનું બ્રોડગેજમાં રૂપાંતર, સંખ્યાબંધ લોકકલ્યાણની યોજનાઓ, અનેક પ્રોજેકટો અને યુનિટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છેલ્લા બે ત્રણ માસથી ગુજરાતમાં વડા પ્રધાન  મોદી તેમ જ રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા થયાં છે અને થઈ રહ્યાં છે. આમાં નાની છતાં શિરમોર કહી શકાય એવી નેત્રદીપક ઘટના એટલે વંદે ભારત ટ્રેન અને વલસાડ વડનગર ઈન્ટરસીટી ટ્રેન. આ બંને ટ્રેનોની ભેટ સાવ અલગ અને અનોખી ભાત પાડનારી છે.અન્યથા નવી ટ્રેનો આપવી કે એના રૂટ લંબાવવા એ રેલવે તંત્રના આયોજનનો એક ભાગ છે.વંદે ભારત હાઈસ્પીડ ટ્રેન એ પ્રગતિશીલ ભારતનું સાકાર થયેલું સપનું છે.

જયારે વડનગર એક્સપ્રેસ દક્ષિણ ગુજરાતના વલસાડને જોડતાં બે રાષ્ટ્રીય નેતાઓ મોરારજી દેસાઈ અને શ્રી નરેન્દ્ર મોદીની યાદ અપાવતી રહેશે.વડનગર મોદીજીની જન્મભૂમિ છે એટલું જ નહિ એ ઐતિહાસિક ધરોહર ધરાવતી પ્રાચીન નગરી છે જયાં શ્રી હાટકેશ્વર ( નાગર સમાજના વિશ્વપ્રસિધ્ધ ઈષ્ટદેવ)નું મંદિર આવેલું છે.જયાં દેશ વિદેશથી દર્શન માટે નાગર સજ્જનો આવતાં રહે છે.ભાષા, મીઠી વાણી, વિવેક અને સંસ્કારિતા અને રાજકીય મુત્સદ્દીગીરીના ક્ષેત્રમાં આ જ્ઞાતિનો મોટો ફાળો છે એ વાત સર્વ વિદિત છે.ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય એના બે’ક દિવસ અગાઉ આ ટ્રેનની જાહેરાત તો ઠીક, દોડતી પણ થઇ ગઈ. એ મહત્ત્વની ઘટના માટે પ્રધાન મંત્રી શ્રી, સુરતના રેલ રાજ્ય મંત્રી અને રેલવે મંત્રીને જેટલા અભિનંદન અને યશ આપીએ એટલા ઓછા છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બગાસું: આળસ-કંટાળાનું પ્રતીક
‘ગુજરાતમિત્ર’ની તા. ૨/૧૧ ની દર્પણપૂર્તિની કોલમ ‘એક સમુદ્ર – અનેક કિનારા’માં શ્રી નરેન્દ્ર જોશીએ બગાસાંની અંદર-બહાર વિષે વિસ્તૃત વાતો દોહરાવી તેનાં કારણો દર્શાવ્યાં. બગાસું એ અનૈચ્છિક શ્વસનક્રિયા છે જેવાં અનેક તારણો છે. બગાસું મનુષ્યને પ્રાણીઓને પણ આવે છે. આ બાબતે વધુ લખવા પ્રેરાયો છું. ગામડાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ તો બગાસું એ અપૂરતી ઊંઘનું પરિણામ છે. દરેક માણસને પૂરતો આહાર અને ઊંઘની જરૂર છે. રાત્રે પૂરતી ઊંઘ ન આવે તો દિવસ દરમ્યાન અનેક વાર બગાસાં આવે છે. આથી ડોકટરો કહે છે. બગાસાં આવતાં હોય તો સોડાથી મોં ધોઇ નાંખવું અને બપોરે ફરી પાછા સૂઇ જઇને પૂરતી ઊંઘ લેવી વિગેરે અનેક દેશી-ઉપચાર છે. ઘણી વાર કોઇ વ્યકિત વાત કરતી હોય તે આપણને ન ગમતી હોય તો કંટાળો આવે એટલે બગાસું આવે છે. કોઇ કામ કરવાની ઇચ્છા ન હોય તો આળસ આવે છે. આમ બગાસું એ આળસ – કંટાળાનું પ્રતીક છે. ટ્રક કે કાર ચલાવતા ડ્રાઈવરને વારંવાર બગાસું આવતાં આંખનું સંતુલન ગુમાવી દેતાં અકસ્માત થયાના બનાવો બન્યા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ બગાસું એ રોગ નથી પરંતુ ચેપી પ્રતિક્રિયા છે. એક વ્યકિત બગાસું ખાય તો સામેવાળાને પણ આવે છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top