વલસાડ: (Valsad) કપરાડા (Kaprada) તાલુકાના વિકાસની ગુલબાંગો ફેંકતા કપરાડા તાલુકાના રાજકીય પદાધિકારીઓને લપડાક આપે તેવી કાર્યવાહી મોટી પલસાણ-કરંજલી ગામના ગ્રામજનો અને યુવાનોએ કરી છે. મોટી પલસાણ ગામમાંથી (Village) પસાર થતો મુખ્ય રસ્તો (Roads) કે જે રોહીયાળ જંગલ ગામને જોડે છે.
- સરકારે નહીં બનાવતા યુવાનોએ જાતે રસ્તો બનાવી દીધો
- 12 કિમી. લાંબા મોટીપલસાણ-કરંજલી ગામ થઈ રોહિયાળ જંગલને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર
- ડામરનો રોડ બનાવવાની રજૂઆતો ફાઇલોમાં
- વિકાસની ગુલબાંગો ફેંકતા કપરાડા તાલુકાના રાજકીય પદાધિકારીઓને લપડાક
12 કિમી લાંબા જર્જરિત માર્ગ ઉપરના ખાડાઓને લઈ છેલ્લા બે વરસથી આ માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કપરાડાથી લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્રને અનેક રજૂઆત બાદ પણ રસ્તો ડામરનો નહીં બનતા આખરે મોટીપલસાણ-કરંજલી ફળિયાના આગેવાનો અને યુવાનોએ આખરે ગામમાંથી પસાર થતા ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટનાએ સમગ્ર કપરાડા તાલુકામાં ચર્ચા જગાવી છે. ગામના લોકો સ્થાનિક રાજકીય પદાધિકારીઓની નિષ્ક્રિયતા ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. મોટીપલસાણ કરંજલી ફળિયાના ફૂલજી ભાઈએ જણાવ્યું કે બે વર્ષથી બિસ્માર માર્ગને ડામરનો બનાવવા રજૂઆત કરી અમે થાકી ગયા છીએ. માર્ગ પરના ખાડાઓને લઈ અકસ્માતો વધ્યા છે. ત્યારે યુવાનો સાથે મળી માર્ગ પરના ખાડાઓને માટીથી પૂરવાની કામગીરી કરી છે.
વાપીથી ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક ભરી લઇ જવાતા પશુધનને ઉગારી લેવાયા
વાપી : વાપી જીઆઈડીસી ને.હા.નં.48 નજીકથી પસાર થતી ટ્રક નં. જીજે-02 ઝેડઝેડ-3102 માં પશુધન ભરેલું હોવાની જાણકારી ગૌરક્ષકને મળી હતી. જે બાદ ટીમ દ્વારા તે ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી 9 ગાય અને 2 વાછરડા મળ્યા હતાં. જે બનાવ બાદ વાપી ઉદ્યોગનગર પોલીસને જાણ કરતા પોલીસ ટીમ આવી પહોંચી હતી. પશુઓને ક્રૂરતાપૂર્વક ભરેલા હતા, જેમાં એક વાછરડું મૃત હાલતમાં મળ્યું હતું. પશુધનને લઈ જનાર ટેમ્પા ચાલક ઈમ્તીયાઝ મોહમ્મદ મીર (રહે. બનાસકાંઠા) અને ક્લીનર ઈશ્વરજી કેશાજી ઠાકોર (રહે. પાટણ)ની પૂછપરછ કરતાં તેમની પાસે કોઈ પાસપરમીટ નહીં હોય અને આ પશુધન રાજુ દેસાઈ (રહે.બનાસકાંઠા)એ ગોદડપુરાથી ભરાવી આપ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ટેમ્પાની કિં.10 લાખ અને પશુધન કિં.2 લાખ 80 હજાર આંકવામાં આવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ ગૌરક્ષક દર્શન જીતેન્દ્ર ગજરા (રહે.બલીઠા)એ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવી હતી.