વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર (District Collector) આર. આર. રાવલે જણાવ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીઓ હોમ આઇસોલેશનના નિયમોનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી કરવા નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની બનેલી ટીમ ચકાસણી કરશે. જો દર્દી હોમ આઇસોલેશનમાં (Home Isolation) પોતાના ઘરે માલુમ નહીં પડે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં કલેકટરશ્રી રાવલે જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.,શહેરોમાં સી. ઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચની જવાબદારી નક્કી કરાઇ છે. જેઓ ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, હેલ્થ વર્કર, આગનવાડી વર્કર, શિક્ષકોને જવાબદારી સોપાશે.
પ્રતિ રવિવારે વલસાડ જિલ્લાના બજારો સંપૂર્ણ બંધ રાખવા કલેક્ટરનો આદેશ
જિલ્લામાં જિલ્લ સ્ક્વોર્ડ અને પોલીસ દ્વારા કોવિડ-૧૯ની ગાઇડલાઇનની અમલવારી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને ગાઇડલાઇનનું પાલન ન કરનારા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આન્ય આદેશ ન થાય ત્યાં સુધી તમામ રવિવારે સમગ્ર જિલ્લામાં બજારો બિલકુલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જેથી રવિવારે કોઇપણ વેપાર ધંધા, હોટલ, રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ટી-સ્ટોલ વગેરેના સંચાલકોએ આ બંધમાં સંપૂર્ણ સહયોગ આપવા કલેક્ટરે અપીલ કરી છે.
વાપીમાં વગર માસ્કે ફરતા લોકો પાસેથી 53 હજારનો દંડ વસૂલ્યો
કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશની સાથે ગુજરાતને પણ ભરડામાં લીધું છે. ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના પોઝીટીવના કેસમાં બેફામ વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા પોલીસ વિભાગ ફરી સક્રિય બન્યું છે. વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર જિલ્લામાં વગર માસ્કે ફરતા લોકોને દંડ ફટકારી રહી છે. જેમાં વાપી ટાઉન પોલીસે છેલ્લા 7 દિવસમાં માસ્ક વિનાના 53 કેસ નોંધી રૂ.53000 નો આકરો દંડ પણ વસૂલ કર્યો છે. પોલીસ દ્વારા આટલી કડકાઈ છતાં પણ કેટલાય લોકો વગર માસ્કે જાહેરમાં ફરી રહ્યા છે. ગત 1થી 7 એપ્રિલ દરમિયાન વાપી ટાઉન પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિગ હાથ ધરાયુ હતું જેમાં વગર માસ્કના 53 કેસમાં રૂ.એક હજાર દંડ પ્રમાણે 53 હજાર, વગર હેલ્મેટના 114 કેસમાં રૂ.પાંચસો દંડ પ્રમાણે 57 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પોલીસે ટ્રાફિકને અડચણરૂપ 17 વાહનો ડિટેઇન કર્યા હતા, તેમજ કલમ 188 મુજબ જાહેરનામાનો ભંગ કરનાર 4 વિરુદ્ધ કેસ કર્યા હતા.