વલસાડ: (Valsad) વલસાડમાં શનિવારની સવારે તિથલ રોડ પર માત્ર એક કલાકના સમયગાળામાં એક સાથે બે વ્યક્તિના હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યા હતા. જેમાં 51 વર્ષના આધેડનું મોર્નિંગ વોક (Morning Walk) દરમિયાન મોત નિપજ્યું હતુ. જેના એક કલાકની અંદર આરટીઓ ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 30 વર્ષિય યુવાનનું અચાનક હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતુ. જેને લઇ સમગ્ર વિસ્તારમાં આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી.
- વલસાડમાં માત્ર એક કલાકમાં એક સાથે બે વ્યક્તિના હ્રદયરોગના હુમલાથી મોત
- 51 વર્ષના આધેડનું મોર્નિંગ વોક દરમિયાન મોત નિપજ્યું
- આરટીઓના ક્લાર્ક રોડ પર કોઇની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા
વલસાડના આરટીઓમાં કામ કરતા જીમીત રાવલ (ઉ.વ.30) આજે સવારે તિથલ રોડ પર કોઇ સાથે વાત કરી રહ્યા હતા. એ દરમિયાન તે અચાનક ઢળી પડ્યા હતા. જેને હોસ્પિટલમાં લઇ જતાં તેને મૃત જાહેર કર્યા હતા. તેને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હોવાનું અથવા હાર્ટ એટેક આવ્યો હોવાનું હાલ અનુમાન લગાવાઇ રહ્યું છે. બીજી ઘટના તેમના મૃત્યુના એક કલાક પહેલાં જ બની હતી. આ ઘટના પણ તિથલ રોડ પર બની હતી. જેમાં રાજેશસિંઘ (ઉવ.51) તિથલ રોડ પર સવારના સમયે વોક કરવા નિકળ્યા હતા. તેઓ પણ અચાનક ઢળી પડ્યા અને તેમનું પણ તુરંત મોત નિપજ્યું હતુ. તેમને પણ હોસ્પિટલમાં લઇ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બંને ઘટના વચ્ચે એક કલાકનું અંતર હતુ. એક સાથે એક સ્થળે અચાનક થયેલા મોતની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોક સાથે અઘાતનું મોજું ફરી વળ્યું હતુ. યુવાનોમાં સ્વાસ્થ્ય જાગૃતિની ભારે ચર્ચા ચાલી હતી.