Dakshin Gujarat

વલસાડના હિંગરાજ ગામના બે કિશોરોના દરિયામાં ડૂબી જતા મોત, 5 મિત્રો નાહવા ગયા હતા

વલસાડ: (Valsad) વલસાડના હિંગરાજ ગામ પાસે આવેલ દરિયા કિનારે (Beach) ગામના જ બે કિશોરનાં ડૂબી (Drowned) જવાથી મોત નીપજ્યા છે. આ ઘટના રવિવારની છે. શાળાના પાંચ મિત્રને રવિવારની રજા હોવાથી દરિયા કિનારે નાહવા ગયા હતા. જ્યાં હાર્દિક અને હિમેશ નામના બે મિત્રો ડૂબી ગયા હતા. સ્થાનિકોએ દોઢ કલાકની લાંબી શોધખોળ બાદ બંનેને શોધી કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વલસાડના હિંગરાજ ગામ નજીક આવેલા દરિયા કિનારે બે કિશોરો ડૂબી ગયા હોવાની ઘટનાને પગલે બાળકોનાં પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. દોઢ કલાક સુધી શોધખોળ કર્યા બાદ બંને બાળકો મળી આવ્યાં હતાં. ગ્રામજનો દ્વારા બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તબીબ દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો. બાળકોના મોતના સમાચાર સાંભળી માતાઓ જમીન પર ઢળી પડી હતી.

મળતી માહિતી મુજબ હિંગરાજ ગામમાં રહેતા હાર્દિક ટંડેલ, હિમેશ ટંડેલ અને અન્ય ત્રણ મિત્રો સહિત કુલ પાંચ કિશોરો દરિયા કિનારે ફરવા ગયા હતા. પાંચેય મિત્રો અહીં દરિયામાં નાહવા પડ્યા હતા. હાર્દિક ટંડેલ અને હિમેશ ટંડેલ ડૂબવા લાગ્યા હતા. તેમને ડૂબતા જોઈ અન્ય ત્રણ મિત્રો પાણીની બહાર આવી ગયા હતા. તેઓએ સ્થાનિકોની મદદ માગી હતી. જોકે કિશોરોને કોઈ બચાવે તે પહેલાં જ બંને કિશોર પાણીમાં ડૂબી ગયા હતા.

Most Popular

To Top