વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની સીલુડી ચોકડી સરદાર આવાસ ખાતે રહેતા રહીશોએ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવાને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર વાલિયા ગામના સરવે નં.200 ઉપર ગ્રામ પંચાયતની ગોચરની જમીન આવેલી છે.
જે જમીન પર ગેરકાયદે સીલુડી ચોકડી પાસે રહેતા તેજા ભરવાડ, નારણ ભરવાડ સહિતના માલધારીઓએ જમીન પચાવી પાડવાના હેતુથી મંદિર બનાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને સરદાર આવાસમાં ગેરકાયદે રસ્તો બનાવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. ઉપરાંત સરવે નં.197માં પણ ખેતીલાયક જમીન પર મકાનો ઊભાં કરવા સાથે સ્થાનિક લોકોને હેરાન કરતા હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ તમામ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.