Gujarat

ગુજરાતના આ જિલ્લાઓમાં ફરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે, જેના લીધે ખેડૂતોની (Farmers) ચિંતામાં વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર નવસારી (Navsari), તાપી (Tapi), ડાંગ (Dang) અને વલસાડ (Valsad) જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 5 ડિસેમ્બર સુધી માવઠું પડી શકે છે. આ સાથે જ આગામી ચાર પાંચ દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવા સાથે ઠંડીનું (Winter) જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડ  સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે. જોકે, આ દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. 

હવામાન વિભાગના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં હવામાન મોટા ભાગે સૂકું રહેશે. તેમ છતાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની અપેક્ષા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને અડીને આવેલા મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા ચક્રવાતી પરિભ્રમણ તેમજ મધ્ય રાજસ્થાન પરના અન્ય ચક્રવાતી પરિભ્રમણને આભારી છે.

ડિસેમ્બરમાં ઠંડીનું જોર વધશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેથી 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. તેના લીધે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.

દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ
રાજ્યમાં આવતીકાલથી 5 દિવસ સુધી ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત દ્વારા આપવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું.

બુધવારે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ
રાજ્યભરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી ઓછું છે જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે. બુધવારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી અને ભુજમાં 15.6 ડિગ્રી નોંધાયું હતું. કંડલા એરપોર્ટ પર 16.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.4 ડિગ્રી, અમરેલીમાં 16.6 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, ગાંધીનગરમાં 17.4 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, અમદાવાદમાં 17.8 ડિગ્રી, કંડલા અને ભાવનગરમાં 18.5 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકામાં 18.8 ડિગ્રી નોંધાયું હતું.

Most Popular

To Top