SURAT

સુરતની એથર કેમિકલ કંપનીમાં મળેલી લાશોની હાલત એટલી ખરાબ કે ઓળખ પણ શક્ય નહીં, DNA કરાશે

સુરત: સુરત (Surat) શહેરની સચિન જીઆઈડીસીમાં (SachinGIDC) આવેલી કેમિકલ (Chemical) કંપની એથર ઈન્ડસ્ટ્રીમાં (EatherIndustries) બ્લાસ્ટ (Blast) સાથે આગ (Fire) લાગવાની ઘટનામાં 7 મજૂરોના મૃત્યુ (Death) થયા છે. કેમિકલ કંપનીમાં આ મજૂરોના દર્દનાક મોત થયા છે.

તેની પ્રતિતિ એ વાત પરથી થાય છે કે મળી આવેલી લાશોની ઓળખ પણ શક્ય નથી. મજૂરોની લાશ બળીને હાડપિંજર થઈ ગઈ છે, તેથી આ લાશોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ (DNA Test) કરવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાન આ ઘટનામાં મૃત્યુ પામેલા 7 મજૂરોના પરિવારોને રૂપિયા 50 લાખના વળતરની કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે.

સચિન જીઆઈડીસીમાં એથર ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ કંપની આવેલી છે. આ કંપનીમાં બુધવારની રાતે 1.30થી 2.00 વાગ્યાના અરસામાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ કંપનીમાં મોટા જથ્થામાં જલદ કેમિકલ પ્રવાહી સ્વરૂપે હોઈ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. થોડી જ ક્ષણોમાં આગ સમગ્ર ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 24 જેટલાં કારીગરો દાઝ્યા હતા. તે પૈકી 8 ગંભીર છે. જ્યારે 7 કારીગરોને તો ભાગવાનો મોકો પણ મળ્યો ન હતો. જ્યાં આગ લાગી હતી તે બે ટેન્કની બાજુમાં જ ઉભેલા 7 કારીગરો પળભરમાં બળીને મૃત્યુ પામ્યા હતા. સતત 24 કલાક કરતા વધુ સમય સુધી આગની વચ્ચે રહેલા આ કારીગરોના મૃતદેહ કંકાલ બની ગયા હતા. તેઓની ઓળખ પણ શક્ય બની રહી નથી. તેથી તંત્રએ આ હાડપિંજર સમાન મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે.

સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નર કે.એન.ડામોરે કહ્યું કે, દુર્ઘટના અંગે વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. ફેક્ટરીમાંથી 7 માનવ કંકાલ મળી આવ્યા છે. જે તમામની ઓળખના પ્રયાસ થઈ રહ્યાં છે. ડી.એન.સેમ્પલ સેમ્પલ લેવામાં આવશે. ડી.એન.એ સેમ્પલ પરથી મૃતકોની ઓળખનો પ્રયાસ કરાશે. હાલ બે લોકોની ઓળખ થઈ ચૂકી છે. અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે એજન્સીના રિપોર્ટના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે.

ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારોને મૃતદેહ સોંપાશે
નવી સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતદેહના પોસ્ટ મોર્ટમ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેટલા મૃતદેહની ઓળખ થઈ એ તમામ પરિવાર ના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. DNA સેમપલ રિપોર્ટ આવ્યા બાદ પરિવાર ને મૃતદેહ અંતિમ વિધિ માટે સોંપવામાં આવશે. હાલ પરિવારના સભ્યોને સિવિલમાં બોલાવી લેવાયા છે. DNA સેમ્પલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

5 મૃતદેહના બળી જવાથી મૃત્યુ થયા હોવાનું કારણ પણ આપી દેવાયુ છે- ડો. ગણેશ ગોવેકર, સિવિલ સુપ્રિટેન્ડન્ડ
એથર કંપની દુર્ઘટના મામલે સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે 7 મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લવાયા હતા. તમામ પોસ્ટ મોર્ટમ ફોરેન્સિક વિભાગ દ્વારા કરાયા છે. 5 મૃતદેહના બળી જવાથી મૃત્યુ થયા હોવાનું કારણ પણ આપી દેવાયુ છે. બે મૃતદેહના મૃત્યુના કારણ જાણવા સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. તમામ પોસ્ટ મોર્ટમ ફોરેન્સિક વિભાગના ડોક્ટરોએ પેનલમાં કર્યા છે એટલુ જ નહીં પણ તમામ મૃતક અને એમના પરિવારના DNA માટે સેમ્પલ લેવાયા છે. એ સમ્પલના રિપોર્ટ 5-7 વર્કિંગ દિવસમાં આવી જાય એવી આશા રાખીએ છીએ. મૃતદેહના પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પોલીસ દ્વારા લેખિતમાં અપાયું છે. ખાસ કરી ને મૃતદેહના એક્સ-રે કામગીરી કોઈ પણ પ્રકારની ગંભીર ઇજા કે ફેક્ચર પ્રક્રિયા જાણવા માટે કરાઈ છે.

કંપનીએ મૃતકોના પરિવારને 50 લાખ આપવાની જાહેરાત કરી
ખૂબ જ ભયાનક આ આગની દુર્ઘટનામાં 7 કારીગરોના દર્દનાક મોત થયા છે. તે પૈકી બે કારીગરોની ઓળખ થઈ છે. અન્ય 5ના હાડપિંજરના ડીએનએ ટેસ્ટ કરાશે. દરમિયાન કંપનીએ આ દુર્ઘટનાને અકસ્માત ગણાવી છે. જોકે, મૃતકોના પરિવારને રૂપિયા 50 લાખનું વળતર આપવાની કંપનીએ જાહેરાત કરી છે.

તે ઉપરાંત મૃતકોના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવશે. મૃતકના બાળકોની અભ્યાસની વ્યવસ્થા કંપની કરશે. મૃતકના પરિવારને બધા જ હક વળતર આપવા માટે કંપનીએ તૈયારી બતાવી છે. ઘટનામાં કામ કરવા માટે સક્ષમ ન હોય તેવા ઈજાગ્રસ્ત કર્મચારીને પણ વળતર આપવામાં આવશે. અપંગ થયેલા કામદારોને 25 લાખનું વળતર આપવામાં આવશે. ઈજાગ્રસ્ત તમામ કામદારોની સંપૂર્ણ સારવારની જવાબદારી કંપની ઉઠાવી છે.

Most Popular

To Top