વોશિંગ્ટન : રશિયાએ શરુ કરેલા યુદ્ધ મામલે પુતિનને મોટો ઝટકો મળ્યો છે. યુક્રેન પર હુમલો કરવા મામલે હાઈલેવલની તપાસ થશે. UNSCમાં મળેલી બેઠકમાં આ મામલે ભારે મતદાન કરી બહુમતી સાથે આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જો કે ભારતે આ મતદાનમાં ભાગ લીધો ન હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૯મો દિવસ છે. યુદ્ધના પગલે યુક્રેનમાં ભારે વિનાશ સર્જાયો છે.રશિયન સૈનિકો રાજધાની કિવ પહોંચી ગયા છે અને તે વિસ્તારમાં મિસાઈલ હુમલા સાથે અનેક હુમલા કરી રહ્યા છે. ત્યારે આ યુદ્ધ મામલે UNSCની આજે બેઠક મળી હતી. જેમાં યુક્રેન હુમલા પર હાઈલેવલની તપાસ કરવાનો પ્રસ્તાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ માનવાધિકાર ઉલ્લંઘનની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા માટે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે ભારે મતદાન કર્યું હતું.
47-સીટ કાઉન્સિલના 32 સભ્યોએ રશિયાના હુમલાને બેજવાબદાર ગણાવ્યો
યુક્રેનિયન અને રશિયન સૈનિકો વચ્ચેના યુદ્ધ વચ્ચે વોશિંગ્ટનમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં રશિયા વિરુદ્ધ વધુ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં રશિયન આક્રમણ બાદ માનવાધિકારના ઉલ્લંઘન પર મતદાન કરવામાં આવ્યું હતું. આ ઠરાવ માટે 47-સીટ કાઉન્સિલના 32 સભ્યોએ રશિયાના હુમલાને બેજવાબદાર ગણાવ્યો, તેને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે મત આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ બુધવારે યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં 193માંથી 141 સભ્યોએ સર્વાનુમતે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આ ઠરાવમાં યુક્રેનની તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને સમર્થન આપવામાં આવ્યું હતું અને રશિયાને યુક્રેનની આંતરરાષ્ટ્રીય સરહદો પરથી તરત જ તેના સૈનિકો પાછા ખેંચવા હાકલ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ઠરાવમાં માત્ર પાંચ દેશો રશિયા, બેલારુસ, એરિટ્રિયા, ઉત્તર કોરિયા અને સીરિયાએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે ભારત સહિત 34 દેશોએ ભાગ લીધો ન હતો.