Gujarat

એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો 2022 સ્થગિત

ગાંધીનગર: એશિયાનો (Asia) સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો 2022 ગુજરાતના (Gujarat) ગાંધીનગરમાં યોજાવાનો હતો. જો કે હાલમાં તે મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ડિફેન્સ એક્સપો 10 થી 14 માર્ચ સુધી થવાનો હતું. પરંતુ ડિફેન્સ એક્સ્પો 2022 (DefExpo-2022)ને હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે 10 થી 14 માર્ચ દરમિયાન યોજાનાર આ એક્સ્પોને લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે મોકૂફ (Postponed) રાખવામાં આવ્યો છે. મંત્રાલયે 22 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે 63 દેશોના 121 વિદેશી સહભાગીઓ સહિત કુલ 973 પ્રતિભાગીઓએ જમીન, નૌકા અને ગૃહ સુરક્ષા પ્રણાલી પરના એશિયાના સૌથી મોટા પ્રદર્શન માટે નોંધણી કરાવી હતી. મિનીસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક પર્સન ભરતભૂષણ બાબુએ જણાવ્યુ હતું કે હાલ ડિફેન્સ એક્સપોને સ્થગિત કરવામાં આવી રહ્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે ગુજરાતના ગાંધીનગરમાં 10 થી 14 માર્ચ દરમિયાન આયોજિત થનાર ડિફેન્સ એક્સપોને હાલ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મોકૂફ કરાયો છે. ટૂંક સમયમાં જ તે માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

  • ગુજરાતમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો 2022 સ્થગિત
  • રશિયા અને યુક્રેન યુદ્ધ પણ ડિફેન્સ એક્સપોના મુલતવી રાખવાનુ મુખ્ય કારણ હોઇ શકે
  • ટૂંક સમયમાં તે માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતના ગાંધીનગરમાં 10 થી 14 માર્ચ દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સ્પો્-2022, સહભાગીઓ દ્વારા અનુભવાતી લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે. ત્યાર બાદ નવી તારીખો પછીથી બહાર પાડવામાં આવશે. જ્યારે મહત્વની વાત એ છે કે આ વર્ષનો DefExpo એ પ્રતિષ્ઠિત દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શનની 12મી આવૃત્તિ હતી. નોંઘપાત્ર છે કે 2022 ના વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા કાર્યક્રમો રદ થઇ ચૂક્યા છે. ગયા મહિને જ કોરોનાની ત્રીજી લહેરને કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ કાર્યક્રમ રદ કરાયો હતો. ત્યારે હવે ડિફેન્સ એક્સપોનું ભવ્ય આયોજન થવાનુ હતું. પરંતુ તે પહેલા જ યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધની આક્રમક પરિસ્થિતિઓ ફાટી નીકળી છે. મળતી માહિતી અનુસાર રશિયા અને યુક્રેન યુદ્ધ પણ ડિફેન્સ એક્સપોના મુલતવી રાખવાનુ મુખ્ય કારણ હોઇ શકે છે. ગુજરાતના આંગણે યોજાનાર ભવ્ય ડિફેન્સ એક્સપો માટે અનેક તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ માટે અમદાવાદમાં રસ્તાઓ બંધ રાખવાનું જાહેરનામુ પણ બહાર આવ્યુ હતુ.

Most Popular

To Top