ઉમરગામ: (Umargam) નાણાંકીય લેતીદેતીના ઝઘડામાં ઉમરગામમાં યુવાનની તેના મિત્રએ (Friend) જ તીક્ષ્ણ હથિયારના (Sharp Weapon) ઘા ઝીંકી હત્યા (Murder) કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ વચ્ચે છોડાવવા પડેલા તેના સગા ભાઈને પણ છોડ્યો ન હતો અને તેની ઉપર પણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ભાગી છુટેલા આરોપીને પકડવા ઉમરગામ પોલીસે (Police) ચક્રો ગતિમાન કર્યા છે.
- નાણાંકીય લેતીદેતીના ઝઘડામાં મિત્રને મિત્રએ જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દીધો
- ઉમરગામમાં થયેલા ઝઘડામાં આરોપીએ વચ્ચે બચાવવા પડેલા સગા ભાઈ ઉપર પણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ ડમરૂવાડી વિસ્તારમાં રહેતા અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિ (ઉવ.૨૯) તેના ઘરની બહાર મિત્ર અજીત ગણેશપ્રસાદ હરિજન (ઉવ.૨૨) અને કરણ ગણેશપ્રસાદ હરિજન (તમામ રહે ગોરખપુર યુપી) હાલ ઠંડીની મોસમ હોય રાત્રે તાપણું કરવા બેઠા હતા. તે વખતે અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિ અને અજીત ગણેશપ્રસાદ હરિજન વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા અજીત હરીજને ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી અવંતકુમાર પ્રજાપતિને ગળાના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી હત્યા કરી નાખી હતી.
વચ્ચે છોડાવવા પડેલા તેના સગાભાઈ કરણ ગણેશપ્રસાદ હરિજન ઉપર પણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી આરોપી અજીત ગણેશપ્રસાદ હરીજન નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત કરણ ગણેશપ્રસાદને નજીકની ઉમરગામ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ ઉમરગામ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ વળવી તથા પીએસઆઇ અને પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છોટેલાલ ઉત્તમ પ્રજાપતિ (હાલ રહે ઉમરગામ ચિત્રકૂટ)એ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી છુટતા આરોપી અજીત ગણેશપ્રસાદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાંસદાની કાવેરી નદીના ચેકડેમમાં યુવાનનું ડૂબી જતાં મોત
વાંસદા : વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામમાંથી પ્રસાર થતી કાવેરી નદી ઉપર આવેલા ચેકડેમ પાસે અક્ષય ઉખેડીયાભાઈ (ઉ.વ. ૨૦ રહે – રાપીખુર્દ તા.પાનસમેર જિ.બડવાની, મધ્યપ્રદેશ હાલ રહે. કુકેરી- ચક્કરીયા ફળિયું કમલેશભાઈ પરમારના બજરંગ ફાર્મમાં તા.ચીખલી જી.નવસારી) જે પત્ની સાથે ચેકડેમ પાસે કપડા ધોવા તથા નાહવા માટે ગયા હતા. તે દરમિયાન આકસ્મિક રીતે ચેકડેમના ઉંડા પાણીમાં અક્ષયભાઈનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે દિલીપભાઈ કુંવરસિંહે વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.