Dakshin Gujarat

ઉકાઈ ડેમમાં હોડી ઊંધી વળી જતાં પત્નીની નજર સામે જ પતિએ જીવ ગુમાવ્યો

વ્યારા: (Vyara) ઉકાઈ ડેમમાં (Ukai Dam) બાવલી ગામ નજીક તાપી નદીમાં (Tapi River) બોટ લઈને માછીમારી (Fishing) કરી રહેલા મજૂરો પૈકીની એક બોટ ઊંધી વળી જતાં ઉચ્છલના નાનછલ ગામની વ્યક્તિનું ડૂબી જવાથી (Drowned) કરુણ મોત નીપજ્યું હતું. માછીમારીના કામે ઉપયોગમાં લેવાતી આ બોટમાં સેફ્ટીનાં (Safety) કોઇ સાધનો પણ ઉપલબ્ધ ન હતાં. જેથી પત્નીની નજર સામે જ પતિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બોટ માલિકની બેદરકારી પણ અહીં છાપરે ચઢીને પોકારી છે. પતિનું મોત થતાં ગરીબ પરિવારનાં બે બાળકો દયનીય સ્થિતિમાં મુકાયાં છે.

  • ઉકાઈ ડેમમાં હોડી ઊંધી વળી જતાં માછીમારી કરી રહેલા મજૂરનું મોત
  • ઉકાઈ ડેમમાં બાવલી ગામ નજીક તાપી નદીમાં બોટ લઈને માછીમારી કરી રહેલા મજૂરની બોટ ઉંધી વળી ગઈ
  • પત્નીની નજર સામે જ પતિએ પોતાનો જીવ ગુમાવ્યો
  • પતિનું મોત થતાં ગરીબ પરિવારનાં બે બાળકો દયનીય સ્થિતિમાં મુકાયાં

બુધવારે સાંજે તાપી નદીના ઉકાઈ જળાશયમાં નાનછલ ગામના વીરસીંગ ગામીત પોતાની પત્ની સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે માછીમારી કરી રહ્યા હતા. ત્યારે બોટ ઊંધી વળી જતાં પાણીમાં ડૂબી જવાના કારણે વીરસીંગ ગામીતનું મોત નીપજ્યું હતું. અન્ય માછીમારોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યા હતા. આ બોટમાં બેસેલી તેની પત્ની અને અન્ય બેનો ચમત્કારિક બચાવ થયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગતરોજ ઉચ્છલના નાનછલ ગામના ગામીત વીરસિંહ અન્ય વ્યક્તિઓ સાથે માછીમારી કરવા ઉકાઈ ડેમમાં ગયા તે બોટ જર્જરિત હોવાથી પલટી મારી ગઈ હતી. જેમાં વીરસીંગનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.

મોતને ભેટનાર વીરસીંગની પત્ની માર્થાબેને જણાવ્યું હતું કે, ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિનું મોત નીપજવાથી તેની 12 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો હવે દૈન્ય જીવન જીવવા મજબૂર બન્યાં છે. મજૂરીએ માછીમારી કરાવનાર બોટ માલિકે જો મજૂરોને સેફટી જેકેટ કે સેફ્ટી બેલ્ટ સહિતનાં સાધનો આપ્યાં હોત, તો મૃતક વ્યક્તિનો જીવ બચાવી શકાયો હોત. અધિકારીઓ માછીમારી કરવા માટે પરવાનગી આપતા હોય છે, માછીમારીનાં ટેન્ડરિંગ કરતી વેળાએ સેફ્ટીનાં સાધનો ફરજિયાત હોવાનું જણાવે છે. ટેન્ડર થયા પછી તેની કોઇ ચકાસણી કરાતી નથી. આ બાબતે પણ અધિકારીઓની સખ્તાઈ જરૂરી છે.

Most Popular

To Top