કચ્છ(Kutch): ગુજરાત(Gujarat)ના દરિયાકાંઠેથી બે શંકાસ્પદ બોટ(Boat) ઝડપી પાડવામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ(Indian Coast Guard)ને મોટી સફળતા મળી છે. જો કે આ અંગે એનસીબી કે કોસ્ટગાર્ડ દ્વારા કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને બોટ ઇરાનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રો એવુ કહી રહ્યાં છે કે પોરબંદર(Porbandar)ની જેટી ખાતે કોસ્ટગાર્ડ અને અધિકારીઓનો કાફલો હાજર છે અને તેઓ ક્રૂ મેમ્બરની પૂછપરછ કરી રહ્યાં છે. જો કે, આ બોટમાં માદકદ્રવ્યો છે કે કેમ તે અંગે હજી સુધી કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ તેમાં ડ્રગ્સ(Drugs) હોવાની પ્રબળ શક્યતા છે.
અગાઉ ઝડપાયું હતું 350 કરોડનું હેરોઈન
આ પહેલા પણ ગુજરાતના દરિયાકાંઠેથી અનેક વખત માદક દ્રવ્યો પકડાઇ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આશરે 10 દિવસ પહેલા એટલે કે 12 જુલાઇના રોજ ગુજરાત એટીએસને પણ 350 કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી. યુએઈના અજમાન ફ્રી ટ્રેડ ઝોનમાંથી ગુજરાતના મુંદ્રા બંદરે આવેલા કાપડના એક કન્ટેનરની તપાસ દરમ્યાન ગુજરાત એટીએસ તથા પંજાબ પોલીસ દ્વારા એક સંયુકત્ત ઓપરેશન હાથ ધરીને 376 કરોડની કિમતનું 76 કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા તે જપ્ત કરી લીધો હતો. હેરોઈનનો આ જથ્થો પંજાબ મોકલવાનો હતો. એક તબક્કે મે માસમાં આ કન્ટેનર આવ્યું હતું. તે પછી તેને પાછુ મોકલવાનો પણ પ્રયાસ થયો હતો.
હેરોઈનનો જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હતો
મુદ્રા પોર્ટ પર આવેલા કન્ટેનરની અંદર કાપડનો જથ્થો હતો. કાપડનો રોલ જે પુંઠાની પાઈપ ઉપર વિંટાડેલો હતો તે પુંઠાની પાઈપ ઉપર એક પ્લાસ્ટિકની પાઈપ મુકી બન્ને પાઈપો વચ્ચેની ખાલી જગ્યામાં હેરોઈનનો છુપાવવામાં આવ્યું હતું. તેને પણ બન્ને બાજુથી ટાઈટ પેક કરીને પુંઠાની પાઈપ તથા પ્લાસ્ટિકની પાઈપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલું હતું. જેથી એકસ રે સ્કેનિંગ દરમિયાન પકડાઇ જવાથી બચી શકાય. તે સમયે પત્રકરા પરિષદ યોજીને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું હતું કે મૂળ તો આ હેરોઈનનો જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હતો, ત્યાર બાદ તેને યુએઈના અજમાન ફ્રી ટ્રેડ ઝોનમાંથી મુદ્રા પોર્ટ પર મોકલાવામાં આવ્યો હતો. હવે તેની પાછળ કયા ડ્રગ્સ માફિયાઓ સંડોવાયેલા છે, તે મામલે તપાસ ચાલી રહી છે. આ ટેક્સટાઈલ કન્ટેનર પંજાબ મોકલવા માટે એક ક્લિયરીંગ એજન્ટે બિલ ઓફ એન્ટ્રી ફાઈલ કરી હતી. તેની પણ પુછપરછ ચાલી રહી છે.