શહેરા: શહેરાના છોગાળા પાસે પાનમ ડેમના પટમા સફેદ પથ્થરના ગેરકાયદેસર ખનન પર ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી ખાણ ખનીજ વિભાગે ત્રણ ટ્રકો તેમજ બે જેસીબી મશીન સહિત રૂપિયા 70 લાખનો મૂદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી હતી. શહેરા તાલૂકાના ગ્રામીણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જમીનમાંથી સફેદ પથ્થરો કાઢી બેરોકટોક હેરાફેરી થતી હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી હતી.
જેને લઇને જિલ્લા ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારી સી.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ ખાણખનીજ વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને છોગાળા ગામ પાસે પાનમ ડેમ ના પટમા ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાંથી સફેદ પથ્થરો કાઢવામાં આવી રહયા હતા.ત્યાં દરોડો પાડયો હતો. ખાણ ખનીજ વિભાગ ની ટીમે ગેરકાયદેસર સફેદ પથ્થરોના ખનન પરથી બે જેસીબી મશીન તેમજ ત્રણ ટ્રક સહિત રૂપિયા 70લાખનો મૂદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથધરી હતી.
પાનમ ડેમના પટમાં આવેલ સરકારી જમીનમા પાછલા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરો બેરોકટોક કાઢવામાં આવી રહયા હતા.તેના પર ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમા ભારે ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગ એ ગેરકાયદેસર ખનન પરથી પકડી પાડેલ બે જેસીબી મશીન અને ત્રણ ટ્રકોને તાલુકા સેવા સદન ખાતે લાવવામા આવતા મોટી સંખ્યામા સફેદ પથ્થરો નો ધંધો કરતા લોકો એકત્રિત થઇ ગયા હતા. તાલુકા પંથકના ગ્રામીણ વિસ્તારમાં સફેદ પથ્થરો ગેરકાયદેસર રીતે કાઢવામાં આવી રહયા હોવાની માહિતી સ્થાનિક તંત્રને પણ હોવા છતાં આ સામે અસરકારક કાર્યવાહી કરવામા આવી રહી ના હતી. હવે જોવું રહ્યું કે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક સંબંધિત તંત્ર તાલુકામાં ખનીજચોરી અટકે તે માટે કેવા પ્રકારની કાર્યવાહી કરશે.
ટ્રકોમાં રોયલ્ટી પાસ વગર ખનીજ ભરીને વહન કરાય છે
સફેદ પથ્થરોની હેરાફેરી થતી ટ્રકોનો વીમો છે કે નહીં તેમજ અમુક ટકોની બોડી પણ તૂટી ગઈ હોવા છતાં સફેદ પથ્થર ઓવરલોડ ભરીને હાઈવે માર્ગ પરથી પસાર થતી હોવા છતાં પોલીસ સહિતનું તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા ખનીજ ચોરોને કોઈ ડર નહીં હોવાથી ખનીજ ચોરી તાલુકામાં વધતા સરકારી તિજોરીને નુકશાન પહોંચી રહયુ છે. પોલીસ તંત્ર તેમજ ખનીજ વિભાગ અને અન્ય સંબંધીત તંત્ર આ સામે પોતાની નૈતિક ફરજ બજાવે તેવી લોક માંગ ઉઠી રહી છે. ખનીજ ચોરી કરતા ચોરો ખનીજ ભરેલ વાહનપર નંબર લખતા નથી. હાઈવે માર્ગ પર રોયલ્ટી પાસ વગર ખનીજ ભરીને જતી ટ્રક પૂરઝડપે નીકળતી હોય છે. પોલીસ તંત્ર આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને ખનીજ ભરીને જતી ટ્રકો પાસે જરૂરી કાગળો માગીને યોગ્ય તપાસ કરે તે પણ અત્યંત જરૂરી છે.