સુરત: શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં હવે ટ્રાફિક સિગ્નલનું પાલન શરૂ કરાતા વાહનચાલકોની હેરાનગતિ બેવડાઈ છે. શહેરના રિંગરોડ પર આજે સવારે બે કિલોમીટર લાંબો ચક્કાજામ થઈ ગયો હતો, જેના લીધે નોકરી ધંધા પર જતા લોકોનો સમય વેડફાયો હતો.
સુરત શહેરમાં ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતાં હાર્દ સમા રિંગરોડ પર છાશવારે સર્જાતી ટ્રાફિક સમસ્યાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એક તરફ રિંગરોડ પર ચાલી રહેલી મેટ્રોની કામગીરીને પગલે છેલ્લાં કેટલાંય સમયથી પીક અવર્સ દરમિયાન વાહન વ્યવહાર મંથર ગતિએ ચાલતો હોય છે.
જો કે, હવે ટ્રાફિક વિભાગ દ્વારા રિંગરોડ પર ટ્રાફિક સિગ્નલો શરૂ કરતાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને નોકરી-ધંધાએ નીકળેલા વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકજામમાં હાલાકી ભોગવવી પડતી હોય છે. આજે પણ અઠવા લાઈન્સથી ઉધના દરવાજા સુધી પહોંચવા માટે વાહન ચાલકો માટે અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવો ઘાટ સર્જાયો હતો. બેથી અઢી કલાક સુધી રિંગરોડ પર સર્જાયેલા ટ્રાફિક જામને પગલે અંધાધુંધીના દ્રશ્યો સર્જાયા હતા અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
શહેરના રિંગરોડ પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ચુક્યા છે. ખાસ કરીને રિંગરોડ પર મેટ્રોની કામગીરીની કામગીરીને પગલે આ સ્થિતિ છેલ્લા બે-ત્રણ વર્ષથી રાબેતા મુજબ બની ચુકી છે. જો કે, હવે રિંગરોડ પર ટ્રાફિક સિગ્નલોની અરાજકતાને કારણે આ સમસ્યા વધુ વિકરાળ બની છે. આજે સવારે10.30 કલાકથી બપોરે 1 વાગ્યા સુધી રિંગરોડ ચોકઅપ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અઠવા લાઈન્સથી ઉધના દરવાજા સુધી પહોંચવા માટે વાહન ચાલકોને નવનેજા પાણી આવ્યા હતા.
સ્થિતિ એટલી હદે વિકરાળ બની હતી કે ફ્લાય ઓવર બ્રિજ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે નાગરિકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. નોકરી – ધંધા માટે નીકળેલા વાહન ચાલકો બેથી ત્રણ કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયેલા હોવાને કારણે વહીવટી તંત્ર વિરૂદ્ધ રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. મેટ્રો અને ટ્રાફિક સિગ્નલની સમસ્યાને પગલે સર્જાયેલી વિકટ સ્થિતિને પગલે વાહન ચાલકો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.