National

ગોએરના પ્લેનનું એન્જિન ફેલ થતા બે ફ્લાઈટને ડાયવર્ટ કરાઈ

નવી દિલ્હી: હાલ કેટલાક સમયથી ફ્લાઈટમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓમાં વધારો થયો છે. આ પહેલા સ્પાઈસ જેટના બે વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈન્ડિગોમાં પણ ટેકનિકલ ખામી સર્જાય હતી. જેનું ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાના કરાચીમાં કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર ગોએરના ફ્લાઈટમાં ખામીના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ગોએરના વિમાનનું એન્જિન ફેલ થવાના કારણે આ સમસ્યા સર્જાય હતી. ત્યાર બાદ ગોએરની બીજી ફ્લાઈટને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.

ડીજીસીએ (DGCA) પાસેથી મળેલી માહિતી અનુસાર, એન્જીન ફેલ થવાના કારણે મુંબઈથી લેહ અને શ્રીનગરથી દિલ્હી જતી GoAirની ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.મળતી માહિતી મુજબ, ગો એરના A 320 વિમાને મુંબઈથી લેહ માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ નંબર જી8-386ના બીજા એન્જિનના એન્જિન ઈન્ટરફેસ યુનિટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ સાથે જ અન્ય એક ગોએરનું પ્લેન પણ ગડબડીના કારણે ડાયવર્ટ કરવું પડ્યું હતું. ગોએરની બીજી ફ્લાઈટ શ્રીનગરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી.

ડીજીસીએના અધિકારીઓએ આ અંગે જણાવ્યું છે કે મુંબઈથી લેહ જઈ રહેલી ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઈટને શ્રીનગર પરત મોકલી દેવામાં આવી હતી. બંને વિમાનોને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યા છે. ડીજીસીએના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી રહી છે અને હવે તેઓ ડીજીસીએ તરફથી ક્લિયરન્સ મળશે ત્યારે જ ઉડાન ભરશે.

નોંધનીય છે કે વિમાનોમાં ઉડાન દરમિયાન ખલેલની ઘટનાઓ દરરોજ બની રહી છે. છેલ્લા અઢી મહિનાની વાત કરીએ તો ટેક્નિકલ ખામીના કારણે 16 ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. આમાંના કેટલાક એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જ્યારે ઘણા એરક્રાફ્ટ લેન્ડિંગ બાદ ટેક ઓફ કરી શક્યા ન હતા. હજુ બે દિવસ પહેલા જ UAEના શારજાહથી હૈદરાબાદ આવી રહેલા એક પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેને પાકિસ્તાનના કરાચી તરફ ડાયવર્ટ કર્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કાલિકટથી દુબઈ (Dubai) જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના (Air India Flight) ઉડ્ડયન સમયે ફલાઈટની અંદરથી સળગવાની ગંધ આવતા તાત્કાલિક ફ્લાઈટનો રૂટ મસ્કત તરફ વાળવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા ડીજીસીએએ કહ્યું કે ફોરવર્ડ ગેલીમાં વેન્ટ સળગવાની ગંધ આવી રહી હતી, જેના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top