આણંદ : બોરસદના ઉમિયા હોટલ નજીકના રોડ પર બે ડમ્પર સામસામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ડમ્પરના ચાલકનું મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત એટલો ભયંકર હતો કે, ચાલકનું માથું અને ધડ અલગ અલગ થઇ ગયાં હતાં. જ્યારે એક હાથ પણ કપાઇ ગયો હતો. આ ઉપરાંત ડમ્પરમાં સવાર અન્ય 3 પણ ઘવાયાં હતાં. કપડવંજના દુધાથલ ભક્તાજીના મુવાડામાં રહેતાં જીગ્નેશકુમાર ગીરધરભાઈ રાઠોડ (ઉ.વ.20) છેલ્લા કેટલાક સમયથી પરેશ હામાભાઈ લવતુકા (રહે.સાયલા, સુરેન્દ્રનગર)ના ડમ્પર પર કંડક્ટર તરીકે કામ કરે છે. આ ડમ્પર રેલવેના માટીકામમાં દાવોલથી નાપાડ તરફ ચાલે છે.
આ ઉપરાંત તેમનું બીજું ડમ્પર પણ છે. જેના પર ચાલક તરીકે જાલાભાઈ સગરામભાઈ રબારી અને ક્લિનર તરીકે કાકાનો દિકરો જીગ્નેશકુમાર દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.20) કામ કરતો હતો. દરમિયાનમાં 1લી ડિસેમ્બર,2022ના રોજ ડમ્પરમાં રેલવેના કામમાં સવારથી દાવોલના તળાવમાંથી માટી ભરી રેલવેના નવા બનતા ટ્રેક પર નાંખતાં હતાં. આ કામ દરમિયાન બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ જીગ્નેશ ગીરધરભાઈના ડમ્પરમાં પંચર પડતા તે દાવોલના તળાવે મુકી રાખ્યું હતું. દરમિયાનમાં રાત્રિના માટી કામ કરવા માટે જીગ્નેશ દિનેશભાઈ રાઠોડ આવ્યો હતો અને તેના ડમ્પરમાં ભરેલી માટી ભરીને ક્યાં લઇ જવાની છે ? તે રસ્તો બતાવવા જણાવ્યું હતું.
આથી, જીગ્નેશ ગીરધરભાઈ તેના ભાઈ સાથે ડેમ્પરમાં બેસી તળાવથી સાઇડ તરફ જવા માટે નિકળ્યાં હતાં. આ ડમ્પર જાલાભાઈ સગરામભાઈ રબારી ચલાવતાં હતાં અને ઉમિયા હોટલ પસાર કરી આશરે સો મીટર જેટલું જતાં સામેથી રોંગ સાઇડે એક ડમ્પર પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું અને ધડાકાભેર અકસ્માત સર્જી દીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બન્ને ડમ્પરના ચાલક, ક્લિનર સહિત ચાર વ્યક્તિ ગંભીર રીતે ઘવાયાં હતાં. તેમાંય જીગ્નેશ દિનેશકુમાર રાઠોડ (ઉ.વ.20)નું માથું તથા હાથ પણ શરીરથી અલગ થઇ ગયાં હતાં.
જ્યારે ડમ્પરના ચાલક જાલાભાઈ, અકસ્માત સર્જનાર ચાલક સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ ઘટનાના પગલે બોરસદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. ગોહિલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં રેતી ભરી જતા ડમ્પર નં.જીજે 02 એક્સએક્સ 7525ના ચાલકે રોંગ સાઇડે આવી અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેના ચાલક સામે પોલીસે 304 (માનવ વધ)ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.