જામનગર: જામનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના તમાચણ ગામના વાડી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે. 40 ફૂટ ઊંડા બોરવેલમાં 20 ફૂટની ઊંડાઈ પર બાળકી ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે. બચાવ ટીમ ત્રણ કલાક કરતા વધુ સમયથી તેને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. બચાવ ટીમને બાળકીના હાથ દેખાતા આશા બંધાઈ છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે. અંદર ફસાયેલી બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો તેમજ ગ્રામજનો બોરવેલ પાસે દોડી ગયા હતા. ફાયરની ટીમ 108 સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
અહીંના ચીફ ફાયર ઓફિસર સી.એન. પાંડિયનના જણાવ્યા મુજબ ખેતમજુરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મજૂર પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ છે. અકસ્માતે રમતા રમતા તે બોરવેલમાં પડી છે. કેમેરા સાથે ફાયરની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. 20 ફૂટ ઊંડાણમાં બાળકીના હાથ દેખાયા છે. ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે અને બોરવેલની સાઈડમાં ખોદકામ ચાલુ કરાયું છે.
જેસીબીની મદદથી ખોદકામ કરાયું
સવારે 10 વાગ્યાથી અઢી વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હોય તેને બહાર કાઢવા માટે આખુંય તંત્ર મહેનત કરી રહ્યું છે. હવે તો એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે રવાના થઈ છે. દરમિયાન 108, ફાયર બ્રિગેડ, પોલીસ જવાનો અને ગ્રામજનો ભેગા મળી રેસ્ક્યુ કામગીરી કરી રહ્યાં છે. જેસીબીની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ કરાઈ રહ્યું છે. આશરે 7 ફૂટ સુધી ખોદકામ કરી દેવાયું છે.