Charchapatra

અપરાધીઓને દોરડે બાંધીને, જાહેરમાં ફેરવો

દુષ્કર્મના આરોપીને દોરડે બાંધીને પોલીસ ખાતાએ ખેરગામ નગરમાં ફેરવ્યો. ઉઠબેઠ પણ કરાવી. આમ જાહેરમાં આરોપીને ફેરવવાનો ખાસ ઉદે્શ એ જ છે કે આવા અપરાધો અન્ય લોકો આચરે નહિ. આ તો જાહેરમાં આરોપીને ફેરવવાની સજા ઉપરાંત કોર્ટ જે સજા ફટકારશે તે તો નફાની રહેશે. હવે આપણા સુરત નગરની વાત ઉપર આવીએ. આ ‘મહાનગર’માં દુષ્કર્મની રોજની બે ચાર ઘટનાઓ બને છે. કયારેક તો દુષ્કર્મ આચર્યા પછી એ હેવાનો, બાળાઓને મારી પણ નાંખે છે અને પોલીસ ખાતાને ધન્યવાદ આપવા જોઇએ કે આવા હેવાનોને યેનકેન પ્રકારે પોલીસ ખાતું પાતાળમાંથી પણ પકડી લાવે છે. આવા હેવાનોને પણ જે તે વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની હોય તે જગ્યાઓ ઉપર પોલીસ ખાતું ખુલ્લી જીપ જેવા સાધનમાં ઊભા રાખીને એમનો વરઘોડો કાઢે.

જીપની કે ગાડીની આગળ એક બેનર લગાડવાનું કે જેમાં ‘હું દુષ્કર્મનો આરોપી છું’ એવું લખાણ હિન્દી યા ગુજરાતી ભાષામાં લખવું જોઇએ. આમ દુષ્કર્મના હેવાનોને જાહેરમાં ફેરવવાથી એમના જેવા દુષ્કર્મ કરવા થનગની રહેલા વ્યભિચારીઓ ચોક્કસ  સમજ લેશે જ અને આવાં જઘન્ય કૃત્યો કરવાના મનમાં સાપોલિયાની જેમ સળવળી રહેલા વિચારોને મગજમાંથી દૂર કરી દેશે. આવા ગુનેગારોને કોર્ટો સજા કરે એ પહેલાં જો એમને પોલીસ ખાતું આમ જાહેરમાં ફેરવીને એમની ફજેતી કરે તો દુષ્કર્મ આચરવા જઇ રહેલા અન્ય હેવાનો જરૂર પીછેહઠ કરશે. પોલીસ ખાતું આમ બધી જ જગ્યાઓએ આવા દુષ્કર્મ આચરનારાઓને આવી પ્રાથમિક સજા કરે. પોલીસ ખાતા પાસે કામનું અતિશય ભારણ હોય છે. છતાં એ કામના બોજ વચ્ચે પણ આવા અપરાધીઓને ગામ, શહેર કે મહાનગરમાં શેરીઓમાં દોરડે બાંધીને કે જીપમાં ઊભા રાખીને ફેરવે તો ઘણું સારું કામ થયું કહેવાશે.
સુરત     – બાબુભાઇ નાઇ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top