Madhya Gujarat

ડાકોરમાં ઓવરબ્રિજનો સર્વિસ રોડ ધોવાયો

ડાકોર,: યાત્રાધામ ડાકોરમાં નિર્માણાધીન ત્રિપાંખીયા ફ્લાય ઓવરબ્રિજની બંને સાઈડનો સર્વિસ રોડ છેલ્લાં ઘણાં સમયથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેને પગલે નગરજનો તેમજ વૈષ્ણવોને આ માર્ગ પરથી વાહનો લઈને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે અનેકોવારની રજુઆતો બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની મરામત કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 68 કરોડના ખર્ચે ડાકોર ચોકડી ઉપર ત્રિપાંખીયો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેની સમયમર્યાદા પુરી થઈ હોવાછતાં બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આ બ્રિજની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી અવારનવાર સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા વાહનચાલકોનું ધ્યાન રાખ્યાં વગર જ કામ કરવામાં આવતું હોવાથી લોકોમાં પહેલીથી જ ભારે રોષ હતો. તો વળી બીજી બાજુ બ્રિજની બંને બાજુનો સર્વિસ રોડ છેલ્લાં ઘણાં સમયથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો હોવાછતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેની મરામત કરવામાં આવતી નથી. જેથી ચોમાસામાં આ સર્વિસ રોડ અતિજોખમી બન્યો છે.

નગરજનો તેમજ દર્શનાર્થે આવતાં વૈષ્ણવોને આ માર્ગ પરથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રોજેરોજ વાહનો પટકાવાના બનાવો બની રહ્યાં છે, વાહનોને નુકશાન પણ થઈ રહ્યું છે. તેમછતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતું નથી. બીજી બાજુ આ અતિબિસ્માર અને જોખમી બનેલાં સર્વિસ રોડની બરાબર સામે જ ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની ઓફિસ આવેલી છે. ધારાસભ્ય દરરોજ આ અતિબિસ્માર રોડ ઉપર વાહનચાલકોને પડતી હાલાકી નજરે જોવે છે, એટલું જ નહીં ધારાસભ્ય દરરોજ મોંઘીદાટ ગાડી લઈને આ જ અતિબિસ્માર રોડ પરથી પસાર થાય છે. તેમછતાં ધારાસભ્ય આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યાં છે. પરિણામ સ્વરૂપ વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મુખ્યમંત્રી ડાકોરની મુલાકાતે આવે તો જ આ સર્વિસ રોડ બને ?

ડાકોર ચોકડી પર નિર્માણાધીન ત્રિપાંખીયા ફ્લાય ઓવરબ્રિજની બંને બાજુનો સર્વિસ રોડ અતિબિસ્માર હાલતમાં ફેરવાયો હોવાછતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી. જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ જ્યારે મુખ્યમંત્રી ડાકોરની મુલાકાતે આવ્યાં હતાં તે વખતે રાતોરાત આ સર્વિસ રોડને ટકાટક બનાવી દેવામાં આવ્યો હતાં. પરંતુ, માત્ર ગણતરીના દિવસોમાં જ આ રોડ પુનઃ બિસ્માર બની ગયો હતો. જે બાદ આજદિન સુધી આ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top