વાચકોના ધ્યાનમાં હશે જ કે ‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખ ખૂબ જ સરસ, સમયોચિત, પ્રાસંગિક અને વર્તમાન સમય અને સંજોગોને અનુલક્ષીને પ્રકાશિત થતા હોય છે. તેવો જ એક તંત્રીલેખ તા.૨૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ પ્રકાશિત થયો છે. આજે ચૂંટણી લડવા ઈચ્છતા દરેક ઉમેદવારને ચૂંટણીમાં ઉમેદવારી કરવા ટિકીટ જોઈએ છે પછી તે ઉમેદવારની લાયકાત હોય કે ન હોય. તેઓ જે પક્ષમાં હોય તેમાંથી ટિકીટ ન મળે તો પક્ષપલટો કરતાં ખંચકાતાં નથી અને ત્યાં પણ ટિકીટ ન મળે તો અપક્ષ તરીકે ચૂંટણી લડવા તૈયાર થઈ જાય છે. તે અંગે તંત્રીલેખમાં ખૂબ જ સુંદર અને વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તંત્રીલેખમાં જણાવ્યા પ્રમાણે આ બધા બળવાખોરો જ કહેવાય. આજે લાયકાત હોય કે ન હોય, જે વ્યક્તિ ચૂંટણી લડવા માંગે છે તેની પાછળ સેવા કરવાનો કોઈ આશય હોતો જ નથી પણ જો જીતી ગયા તો ત્યાર પછી મળતા આજીવન પેન્શન સહિતના અનેકાનેક લાભો અને પદનો ગેરલાભ ઉઠાવી માલામાલ થવાનો જ આશય હોય છે. બધી જગ્યાએ હોય તેમ અહીં પણ સમ ખાવા પૂરતા અપવાદ હોઈ શકે છે. પણ જે વાસ્તવિકતા છે તેને નકારી શકાય તેમ નથી અને તે આપણા દેશની કમનસીબી જ ગણાવી જોઈએ. ઉપર જણાવ્યું તેમ સમયોચિત તંત્રીલેખો પ્રકાશિત થાય છે અને તે માટે તંત્રીશ્રીને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
મોરબીનો દુર્ઘટનાગ્રસ્ત પુલ-મુખ્યત્વે જવાબદાર કોણ?
૧૪૩ વર્ષ પૂર્વે મોરબીના રાજા સર વાઘજી ઠાકુરે અંદાજે સાડા ત્રણ લાખના ખર્ચે દરબારગઢ અને નાઝરબાગ પેલેસને જોડવા માટે બાંધવામાં આવેલ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ આજે દુર્ઘટનાગ્રસ્ત પુલ તરીકે દેશમાં સતત ચર્ચામાં છે. જે પુલની દુર્ઘટનામાં આશરે ૧૩૫ લોકોએ જાન ગુમાવ્યો અને ૧૮૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક રવિવારના દિવસે આ પુલની ૧૫૦ની કેપેસીટી સામે લગભગ ૬૫૦ લોકોને ટીકીટ ઇસ્યુ કરવામાં આવી હતી, જેનો મેનટેનન્સ કોન્ટ્રાક્ટ, કે જેમાં સામાન્ય રીતે પુલની સલામતી અને સમય સમયે જાળવણી આવરી લેવાતી હોય, એ કોન્ટ્રાક્ટ ૨૦૦૮ થી ૨૦૧૮ દરમિયાન ઘડિયાળ બનાવતા ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યો હતો જે માર્ચ ૨૦૨૨માં ફરી રીન્યુ કરાયો હતો.
આ કોન્ટ્રાક્ટ મુજબ ઓરેવા ગ્રુપના આ સંચાલકો આ પુલના જરૂરી દેખરેખ અને જાળવણી માટે સીધી રીતે જવાબદાર હતા. પુલની દુર્ઘટના પછી કોન્ટ્રાક્ટ રીન્યુ કરનાર મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અને ઓરેવા ગ્રુપના સંચાલકો દ્વારા વર્ષો જૂના પુલના મેન્ટેનન્સમાં દાખવેલ (બહાર આવેલ) બેકાળજી માટે મુખ્યત્વે જવાબદાર કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટ રીન્યુ કરનાર મ્યુનિસિપાલિટીના અધિકારીઓને છોડીને કંપનીના મેનેજર અને અન્ય નાના કર્મચારીઓની ધરપકડે અનેક સવાલો ખડા કર્યા છે. ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીએ કરેલ તપાસ પણ દર્શાવે (બતાવે) છે કે (૧) કેબલ કાટ ખાઇ ગયેલ હોવાથી તૂટી ગયેલ (૨) કેબલને પુલ સાથે જકડી રાખતા એન્કર ઢીલા પડી ગયેલ (૩) એ એન્કરના બોલ્ટ લગભગ ત્રણ ઇંચ જેટલા ઢીલા હતા (૪) અને મુખ્યત્વે મજૂરીકામ કરતા અને લોકસમુદાય કે ટોળાને નિયંત્રિત કરવાની કામગીરીથી અજાણ એવી વ્યક્તિઓને સીક્યોરીટી ગાર્ડ તરીકે રખાયેલ.
અહીં સવાલ એ પેદા થાય છે કે પુલનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ રીન્યુ કરનાર મ્યનિસિપાલિટીના અધિકારી અને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ એ કંપનીના માલિકો આ ઘટના માટે જવાબદાર નથી? કોઇ પણ દુર્ઘટનામાં નોકરી કરતા નાના કર્મચારીઓનો જ કેમ ભોગ લેવાય છે? મોટા ભાગની દુર્ઘટનાઓમાં આવા ઘણા સવાલ મહદ્ અંશે અનુત્તર જ રહે છે અને આ દુર્ઘટનામાં પણ એનો સાચો ઉત્તર મળે એવું દેખાતું નથી.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે