દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો છે. પરંતુ જીત બાદ એક મોટી ઘટના બની હતી. ટીમ ઈન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. લગભગ એક કલાક ડ્રામા ચાલ્યો હતો. આખરે નક્વીએ ગુસ્સામાં મેદાન છોડ્યું હતું. જોકે, નક્વી ટ્રોફી પણ પોતાની સાથે હોટલ લઈ ગયા હતા, જેથી ભારતીય ટીમે ટ્રોફી વિના વિનિંગ સેલિબ્રેશન કર્યું હતું. બીજી તરફ લોકો નક્વીને ટ્રોફી ચોર તરીકે ટ્રોલ કરી રહ્યાં છે.
ભારતનો પાકિસ્તાન વિરુદ્ધ મેસેજ
મેચ પછી જ્યારે પ્રેઝન્ટેશન સેરેમની શરૂ થઈ ત્યારે નકવી સ્ટેજ પર ટ્રોફી લઈને ઉભા રહ્યા હતા. પરંતુ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાથી ખેલાડીઓ તરફ ઈશારો કરતા સ્પષ્ટ કર્યું કે ટીમ આ ટ્રોફી સ્વીકારશે નહીં. ખેલાડીઓએ મેદાનમાં ઉજવણી કરી પણ જ્યાં સુધી નક્વી સ્ટેજ પર હતા ત્યાં સુધી ભારતીય ખેલાડીઓ સ્ટેજ પર ગયા નહીં.
ભારતીય ટીમે નક્વી પાસે ટ્રોફી સ્વીકારવા ઈન્કાર કર્યો
સામાન્ય રીતે મેચ પૂરી થયા પછી થોડા જ સમયમાં ટ્રોફી વિતરણ થાય છે. પરંતુ એશિયા કપની ફાઈનલ બાદ તેમ થયું નહીં. પહેલા તો પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર મોડા આવ્યા જ્યારે બીજી તરફ ભારતીય ટીમ નકવી પાસેથી એવોર્ડ લેવા તૈયાર નહોતી. BCCIએ પણ સ્પષ્ટ કર્યું કે જો નકવી સિવાય અન્ય કોઈ અધિકારી ટ્રોફી આપે તો ભારત સ્વીકારશે પરંતુ નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
નક્વીને ટ્રોફી ચોર કહી લોકોએ ટ્રોલ કર્યા
એક કલાક સુધી નકવી સ્ટેજ પર ઉભા રહ્યા પણ આખરે તેમને સ્ટેજ છોડવો પડ્યો હતો. ત્યાર બાદ ACCનો સ્ટાફ ટ્રોફી અને મેડલ નકવી પોતાની સાથે હોટેલ સાથે લઈ ગયા હતા. આ દ્રશ્ય સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતું. આ ઘટના બાદ નકવીને “ટ્રોફી ચોર” કહી ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જેથી ભારતીય ટીમે ટ્રોફી વગર જીતની ઉજવણી કરવું પડ્યું હતું.
BCCIએ નક્વીની ટીકા કરી
વિજેતા ટીમને ટ્રોફી આપવાના બદલે નક્વી પોતાની સાથે હોટલમાં લઈ જતા બીસીસીઆઈ ગુસ્સે ભરાયું છે. બીસીસીઆઈએ નક્વીની હરકતની ટીકા કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે નવેમ્બરમાં યોજાનારી આગામી ICC મીટિંગમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસીન નકવી સામે “કડક વિરોધ” નોંધાવશે.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ ભારતીય ટીમના વલણને યોગ્ય ઠેરવતા કહ્યું કે ભારત એવી વ્યક્તિના હાથે ટ્રોફી નહીં સ્વીકારી શકે જે વ્યક્તિનો દેશ આપણા દેશ સામે યુદ્ધ કરી રહ્યો હોય. સૈકિયાએ વધુમાં કહ્યું “નક્વીની હરકત અણધારી અને ખૂબ જ બાલિશ છે. અમે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દુબઈમાં યોજાનારી આગામી ICC મીટિંગમાં ICC સમક્ષ આકરો વિરોધ નોંધાવીશું.”