અગરતલા: ત્રિપુરાથી (Tripura) એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ત્રિપુરાના ગોમતી જિલ્લાના શક્તિપીઠમાંથી એક ત્રિપુરેશ્વરી મંદિરના પવિત્ર તળાવમાંથી (Lake) એક અજાણ્યા વ્યક્તિની ખોપરી (Skull) મળી આવી છે. ત્રિપુરા સુંદરી મંદિર તરીકે ઓળખાતા આ 500 વર્ષ જૂના યાત્રાધામમાં કલ્યાણ સાગર નામનું તળાવ છે. ગુરુવારે સવારે લોકોએ કલ્યાણ સાગરમાં એક ખોપરી તરતી જોઈ અને અધિકારીઓને જાણ કરી હતી. મંદિરના તળાવમાં માનવ ખોપરી તરતી જોઈ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જે બાદ પોલીસે (Police) કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ ખોપરી મંદિરના તળાવ સુધી કેવી રીતે પહોંચી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
મુખ્યમંત્રી માણિક સાહાએ ગુરુવારે વિધાનસભામાં આ વિશે કહ્યું કે પોલીસને ખોપરી મળી ગઈ છે અને તેને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સ (ટીએસઆર) ના ડાઇવર્સે તળાવમાં વધુ માનવ અવશેષો છે કે કેમ તે જાણવા માટે તળાવની શોધ કરી, પરંતુ બીજું કશું મળ્યું નહીં. સાહાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે. શોધ કરી છે, પરંતુ કંઇ મળ્યુ નથી.
આ મામલે વધુ જણાવતા સીએમએ કહ્યું કે અમે સમગ્ર ગોમતી જિલ્લામાં ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. મંદિરના મેનેજર માણિક દત્તાએ જણાવ્યું કે કલ્યાણ સાગરના પાણીનો આગામી 45 દિવસ સુધી ઉપયોગ કરવામાં આવશે નહીં. કારણ કે ખોપરી મળ્યા પછી તે અશુદ્ધ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે કલ્યાણ સાગરને ફરીથી પવિત્ર બનાવવા માટે 45 દિવસ સુધી પૂજા કરવી પડશે. આ પ્રખ્યાત મંદિર 1501 માં મહારાજા ધન્ય માણિક્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. હાલ મંદિરની કામગીરી રાજ્ય સરકારના હાથમાં છે.