Madhya Gujarat

કપડવંજમાં પાર્કીંગ શેડ બનાવવા વૃક્ષો કપાશે

નડિયાદ કપડવંજ મામલતદાર દ્વારા પોતાની કાર સહિત વાહનોને સાચવવા માટે સાત વૃક્ષો કાપી નાંખવાનો નિર્ણય લીધો છે અને આ ઘટાદાર વૃક્ષોની 2જી જૂનના રોજ હરાજી પણ રાખી દીધી છે. જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે. મામલતદારની ફરજ છે કે આડેધડ વૃક્ષછેદન ન થવું જોઈએ. પરંતુ તેમની જ ઓફિસના કમ્પાઉન્ડમાં વૃક્ષો કાપવાના નિર્ણયની ભારે ટીકા થઇ રહી છે. બાબુઓ પોતાની કાર સહિતના વાહનોને સાચવવા માટે પર્યાવરણનો આ રીતે ખો કાઢશે તે બાબતે નગરજનો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

કપડવંજ તાલુકા સેવા સદનમાં આવેલા ઝાડનો જાહેર હરાજીથી નિકાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કપડવંજ તાલુકા સેવા સદન પાછળના ભાગે આવેલી જગ્યાએ પાર્કીંગ શેડ તથા વાહનોના પાર્કીંગ માટે ઉપયોગમાં લેવા આ જગ્યા સમતળ કરવાની હોવાથી તેમાં આવેલા નડતરરૂપ વૃક્ષો જેવા કે નીલગરી – 6, અરડુસો -1 એમ કુલ 7 વૃક્ષનો જાહેર હરાજીથી નિકાલ કરવાનો છે. જેની જાહેર હરાજી 2જી જૂન,2023ને શુક્રવારના રોજ સવારે 10-30 કલાકે રાખવામાં આવી છે. આથી, રૂ.10 હજારની ડિપોઝીટની રકમ ભરી હરાજીમાં ભાગ લઇ શકાશે. તેમ મામલતદારે હાલમાં જાહેર કર્યું હતું.

કપડવંજ મામલતદાર કચેરીમાં સાત વૃક્ષ કાપવાની બાબત ટીકાને પાત્ર બની છે. એક તરફ વિકાસના નામો વૃક્ષોનું આડેધડ નિકંદન નિકળી રહ્યું છે. રસ્તા પહોળા કરવાના હોય કે બિલ્ડીંગ બનાવવું હોય વૃક્ષો આડેધડ કાપવામાં આવી રહ્યાં છે. આ અંગે મંજુરી લેતા સમયે નવા વૃક્ષો વાવવાની બાહેંધરી આપવામાં આવે છે. પરંતુ તેનો કોઇ અમલ જોવા મળતો નથી.
આશ્ચર્યજનક બાબત એ છે કે, કપડવંજ મામલતદાર દ્વારા વાહન પાર્કીંગના શેડ બનાવવા માટે સાત વૃક્ષો કાપવામાં આવશે. તો વૃક્ષોની અગત્યતા વધુ કે પાર્કીગ શેડની અગત્યતા તે પ્રશ્નાર્થ છે ? એક તરફ સરકાર વૃક્ષોના વાવેતર પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ પગલાં ભરવામાં આવે છે. વન મહોત્સવ જેવા કાર્યક્રમમાં આજ અધિકારીઓ ઊભા થઈ વૃક્ષોના ફાયદાનું પ્રવચન જાડી દેતાં જોવા મળે છે. પરંતુ તેમની જ કચેરીના આંગણામાં રહેલા સાત લીલાછમ્મ વૃક્ષો તેમની કાર પાર્કીંગ કરવા માટે કાપવા જઇ રહ્યાં છે.

સેંકડો ઘટાદાર વૃક્ષોનો ખો નિકળી ગયો, નવું વાવેતર કાગળ પર જ રહ્યું
ખેડા જિલ્લો એક સમયે હરિયાળો પ્રદેશ હતો. પરંતુ છેલ્લા બે દાયકા દરમિયાન આડેધડ વૃક્ષોનું નિકંદન નિકળ્યું છે. ખાસ કરીને રસ્તા પહોળા કરવામાં સેંકડો ઘટાદાર અને વરસો જુના વૃક્ષો કાપી નાંખવામાં આવ્યાં છે. નેશનલ હાઈવે નં.8, ભૂમેલથી નડિયાદનો રોડ, ડાકોર તરફ જતા માર્ગો, નડિયાદથી મહેમદાવાદનો રસ્તો પહોળો કરવા અનેક વરસો જુનો વૃક્ષો કાપી નાંખવામાં આવ્યાં છે.

Most Popular

To Top