Madhya Gujarat

ખેડામાં વૃક્ષોનો ખો નિકળ્યો: સેવાલિયામાં વૃદ્ધનું મોત

ખેડા: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ ફુંકાયેલાં ભારે પવનને કારણે ખેડા-માતર પંથકમાં 15 કરતાં વધુ વૃક્ષો ધરાશયી થયાં હતાં. જોકે, તંત્રની ટીમે આ ધરાશયી થયેલાં વૃક્ષોને રસ્તા પરથી હટાવવા માટે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ રસ્તા ખુલ્લાં કરી, વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો. ખેડા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર ખેડા અને માતર તાલુકામાં જોવા મળી હતી. આ વાવાઝોડાની અસર હેઠળ ગત રાત્રે માતર તાલુકામાં સવા ઈંચ વરસાદ તેમજ ખેડા તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સાથે-સાથે ભારે પવન પણ ફુંકાયો હતો.

જેને પગલે આ બંને તાલુકામાં 15 કરતાં વધુ વૃક્ષો ધરાશયી થયાં હતાં. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ, ધરાશયી થયેલાં વૃક્ષો માર્ગ ઉપર પડવાથી રસ્તા બ્લોક થઈ ગયાં હતાં. જોકે, ખેડા આર.એન્ડ.બી અને ફોરેસ્ટ વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે જે તે સ્થળ પર જઈને જે.સી.બી ની મદદથી ગણતરીના કલાકોમાં જ વૃક્ષો હટાવીને રસ્તા ખુલ્લા કર્યા હતાં અને વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો. બીજી બાજુ ખેડા-માતર પંથકમાં કાચા મકાનોના પતરાં ઉડવાના સ્લેબ ધરાશયી થવાના તેમજ વીજપોલ બનાવો સામે આવ્યાં છે.

ખેડા જિલ્લામાં ગુરૂવારની સાંજથી શુક્રવારની સવાર સુધીના સમયે બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ વત્તા-ઓછા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો. બિપરજોય વાવઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાની અસર દેખાઈ રહી છે. ત્યારે ખેડા જીલ્લામાં તા.15-6-23 ની સાંજથી તા.16-6-23 ના રોજ સવાર સુધી કુલ 126 મી. મી. વરસાદ ખાબક્યો હતો.

જેમાં સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ માતર તાલુકામાં 30 મિ.મી નોંધાયો હતો. જ્યારે, ખેડા તાલુકામાં 25 મિ.મી, મહુધામાં 24 મિ.મી, નડિયાદમાં 13 મિ.મી, કઠલાલમાં 12 મિ.મી, મહેમદાવાદમાં 8 મિ. મી, વસોમાં 5 મિ.મી, ગળતેશ્વરમાં 4, મિ.મી, કપડવંજમાં 3 મિ.મી અને સૌથી ઓછો ઠાસરામાં 2 મિ.મી વરસાદ નોંધાયો હતો. બિપરજોય વાવાઝોડાને પગલે ખેડા જિલ્લામાં પણ ભારે પવન ફુંકાવાની સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે, વાવાઝોડાની સંભવિત અસરોથી બાળકોની સલામતીને જોખમ ઉભું ન થાય તે હેતુસર તા.17-6-23 ને શનિવારના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ તેમજ ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો આદેશ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવ્યો છે.

વડતાલ સંસ્થાની હોસ્પિટલના ડોક્ટરો અસરગ્રસ્ત વિસ્તારમાં સેવા આપશે
વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત સ્વામીએ સરકાર અને પ્રશાસનની માર્ગદર્શિકાનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. તેમજ અસરગ્રસ્તોની સેવામાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય એક થઈને ઊભો છે અને જરૂર પડે વડતાલ મંદિર સંચાલિત હોસ્પિટલના ડોક્ટર પણ કેમ્પ લગાવીને અસરગ્રસ્તોની સેવા કરવા માટે તૈયાર હોવાનું સંત સ્વામીએ જણાવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તેમજ કચ્છ-ભુજમાં આવેલા વડતાલ તાબાના મંદિરો દ્વારા અસરગ્રસ્તોને ફૂડપેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

નડિયાદના C.O ને ભુજ ખાતે તેમજ ઠાસરાના C.O ને ચોરવાડ મોકલાયાં
બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર તેમજ કચ્છ-ભુજમાં તબાહી મચાવે તેવી પ્રબળ શક્યતાઓ છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અધિકારીઓ તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ-ભુજ ખાતે મોકલવામાં આવ્યાં છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાંથી નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડને તાત્કાલિક અસરથી ભુજ નગરપાલિકા ખાતે, તેમજ ઠાસરાના ચીફ ઓફિસર દિગ્વીજય પ્રજાપતિને ચોરવાડ નગરપાલિકા ખાતે આગામી તારીખ 30 મી જુન સુધી નિમણૂંક કરવામાં આવી છે.

વરરાજાના ઘરના પતરા ઉડ્યા તો વરરાજાને તેમના મહેમાનો સહિત શાળામાં સ્થળાંતર
કપડવંજ નગરના નાની રત્નાકર માતા રોડ ઉપર આવેલ અમરતભાઈ સલાટના ઘરના પતરા વાવાઝોડાને કારણે ઉડી ગયા હતા.ગત રોજ અમરતભાઈના સુપુત્ર દશરથના લગ્ન નિમિત્તે મહેંદીની રસમ સહિત વિવિધ માંગલિક કાર્યો હતા.જેમાં વાવાઝોડાએ વિક્ષેપ પાડ્યો હતો.જેથી પાલિકા તંત્ર દ્વારા હિન્દુ ધર્મસેનાના સહયોગથી વરરાજા સહિત આવેલ મહેમાનો અને પરિવારજનોને અત્રેની બ્રાંચ શાળા નં.7 માં સહી સલામત સ્થળાંતર કર્યા હતા.દશરથની જાન આજે અમદાવાદ ખાતે રવાના થઈ હતી.

માતર ચોકડી પર વીજપોલ નમતા શોર્ટસર્કિટ
બિપરજોય વાવાઝોડાને પગલે ફુંકાયેલાં ભારે પવનને કારણે માતર ચોકડી પરના સર્કલમાં મુકવામાં આવેલ સ્વર્ણિમ સંકુલનો કળશ તેમજ વીજપોલ નમી પડ્યો હતો. આ વીજપોલ નજીકમાંથી પસાર થતી હાઈપર ટેન્શન લાઈનમાં પડતા શોર્ટ સર્કિટ થઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાની નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતા માતર મામલતદાર, માતર પોલીસ, જીઈબીના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને વીજપોલને અન્યત્ર ખસેડી વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો.

સેવાલિયાના બજારમાં દુકાન આગળ ઉભેલાં દાદા-પૌત્ર ઉપર શેડ પડ્યો
સેવાલિયામાં બજાર વિસ્તારમાં દુકાન ધરાવતાં અને પૂર્વ ભાજપ મંત્રી સુરેશભાઈ ટેલરના પિતા જેઠાભાઈ ટેલર (ઉં.વ 90) અને પુત્ર અંકિત બપોરના બજાર વિસ્તારમાં આવેલ દુકાન આગળ ઉભા હતાં. તે વખતે એકાએક તેજ ગતિથી પવન ફુંકાતા, દુકાનનો શેડ ધરાશયી થયો હતો. નીચે ઉભેલા જેઠાભાઈ અને તેમના પૌત્ર અંકિત ઉપર પડ્યો હતો. જેથી તેઓ બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે સોનાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ્યાં બાદ જેઠાભાઈ ટેલરને મૃત જાહેર કર્યાં હતાં.

Most Popular

To Top