તમાકુ અથવા આલ્કોહોલના સેવનની આદત માનવીને ગંભીર બિમારીનો ભોગ બનાવે છે. જેથી તમાકુ આલ્કોહોલ કે કોઈ પણ પ્રકારના નશાથી દુર રહેવું જ સારું, પરંતુ કેટલીકવાર કેટલીક નબળીપળોમાં માનવીને તમાકુ યા આહોહોલની લત લાગી જાય છે. અને તેને કારણે તે ગંભીર બિમારીનો ભોગ બને છે અને ત્યારે જ જીવ ગુમાવવાની નોબત પણ આવે છે. પરંતુ કેટલીકવાર વીમા કંપનીઓ મેડિકલેમના કિસ્સામાં વીમેદારને અગાઉથી જ તમાકુ આલ્કોહોલનું વ્યસન હતુ અને તેને કારણે જ વીમેદારને ગંભીર બિમારી થઈ હોવાના ખોટા તારણ પર આવી સાચો કલેમ પણ ખોટી રીતે નામંજુર કરી દેતી હોય છે.
આવો જ કિસ્સો સુરતમાં મંગળદાસ પટેલ સાથે બન્યો હતો અને મંગળદાસે મામલો ગ્રાહક અદાલત સમક્ષ લઇ જવો પડ્યો હતો. સુરતના મંગળદાસ પટેલે નવસારી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઇ/ પ્રાચી અર્પિત દેસાઈ મારફત યુનાઈટેડ ઈન્ડિયા ઇન્શોરન્સ કંપની લિ. (સામાવાળા) વિરૂધ્ધ દાખલ કરેલ ફરિયાદીની વિગત એવી હતી કે ફરિયાદીએ સામાવાળા વીમા કંપનીનો રૂ.૨ લાખનો મેડીકલેમ તરીકે ઓળખાતો વીમો ધરાવતા હતા.
મજકુર વીમો અમલમાં હતો તે દરમિયાન એપ્રિલ-૨૦૧૮ ના અરસામાં હમો ફરિયાદીને મોઢાનાં ભાગમાં ચાંદી જેવું લાગતા અને દુખાવો થતો હોવાથી શહેરઃ નવસારી મુકામે આવેલ Yesha Super Speciality Hospital ના Dr. Parimal lad ને કન્સલ્ટ કરેલ. મજકુર Dr. Parimal lad ની સલાહ અનુસાર ફરિયાદીના જુદા જુદા ટેસ્ટ તથા બાયોપ્સી કરાવવામાં આવેલા. જેના રીપોર્ટમાં ફરિયાદીને માેંઢાનું કેન્સર હોવાનું નિદાન થયેલ. આથી ડોકટરે જેમણે તા. ૨૦/૦૪/૨૦૧૮ ના રોજ ફરિયાદીને ઇન્ડોર પેશન્ટ તરીકે એડમીટ કરેલા. આથી તબીબ ડોકટરે હમો ફરિયાદીને સર્જરી કરવાની સલાહ આપેલી. અને એ જ દિવસે ફરિયાદીની સર્જરી કરવામાં આવેલ અને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવેલ. ત્યારબાદ, તા. ૨૩/૦૪/૨૦૧૮ ના રોજ ફરિયાદીને મજકુર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ.
ઉપરોકત હોસ્પિટલાઇઝેશન, સર્જરી, મેડીકલ ટ્રીટમેન્ટ, જુદાં-જુદાં ટેસ્ટ, દવાઓ, ઇજેકશનો વગેરે માટે થઈને ફરિયાદીને ફુલ ખર્ચ રૂા. ૮0.000/- થયેલો. જેથી તે અંગે ફરિયાદીએએ સામાવાળા વીમાકંપનીનું નિયત કલેમ ફોર્મ ભરીને સામાવાળા નં.(૧) વીમાકંપની સમક્ષ કલેઇમ કરેલો. સામાવાળા ફરિયાદીઓનો સાચો અને વાજબી કલેઇમ મંજૂર કરવા જવાબદાર અને બંધાયેલા હતા અને છે. આમ છતા સામાવાળાઓએ તેમના તા.૧૬/૦૬/૨૦૧૮ના રોજ ના પત્ર દ્વારા ફરિયાદીનો ક્લેઇમ ફરિયાદીને તમાકુના સેવનનું વ્યસન હોવાને કારણે જ કેન્સર થયેલ હોવાનું જણાવી નામંજુર કર્યો હતો.
સામાવાળાનો ઉપરોક્ત પત્ર મળતા હમો ફરિયાદીને અત્યંત આશ્ચર્ય અને આઘાત થયેલાં. કારણ કે, ફરિયાદી tobacco ના કે અન્ય કોઈ પ્રકારના સેવનની ટેવ ધરાવતા ન હતા અને નથી. ફરિયાદીની સારવાર સબંધિત કોઇ પણ પેપર્સમાં સારવાર કરનાર ડોકટરે ફરિયાદી તમાકુના કે અન્ય કોઈ પ્રકારના સેવનની આદત હતી એવી કોઇ નોંધ કરેલ હોય તો પણ તે નોંધ ખોટી હતી. જેથી ફરિયાદીએ ગ્રાહક અદાલતના દ્વાર ખટખટાવેલાં. જો કે ફરિયાદનો નિકાલ થાય તે પૂર્વે ફરિયાદી મંગળદાસ પટેલનું કેન્સરને કારણે અવસાન થતા ફરિયાદમાં પક્ષકાર તરીકે તેના વારસો જોડાયા હતા.
ફરિયાદી તરફે એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઇએ લેખિત દલીલો રજુ કરી રજુઆત કરી હતી કે, ડિસ્ચાર્જ કાર્ડમાં ફરિયાદીને હાલની બીમારી કેન્સરના કારણે થયેલ હોય તેવી કોઈ નોંધ નથી તેમજ ફરિયાદીને તમાકુ ખાવાની ટેવ હતી તેવી કોઇ નોંધ કરેલ નથી. માર્ક-૨૦/૬ યેશા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ટ્રીટમેન્ટ કાગળો જોતાં હેબિટ ટોબેકો લખેલ છે. પરંતુ તે કોના દ્વારા લખવામાં આવેલ છે કયારે કયા સંજોગોમાં લખેલ છે તે બતાવવા સામાવાળા દ્વારા ટ્રીટમેન્ટ આપનાર ડોકટરને તપાસેલ નથી કે તેનું કોઇ એફિડેવીટ રજુ કરેલ નથી. કે તમાકુના સેવનના કારણે કેન્સર થયેલ છે તે પુરવાર કરવાની જવાબદારી સામાવાળાની થાય છે. જે સામાવાળા દ્વારા કોઈ પુરાવા રજુ કરી પુરવાર કરેલ નથી
નવસારી જીલ્લા કમિશનના પ્રમુખ ન્યાયાધીશ એમ. એચ. ચૌધરી અને સભ્યશ્રીઓ એ.એન.બારોટ અને વી.બી.વર્મા એ કરેલ હુકમમાં ફરિયાદી કલેઇમની રકમ મેળવવા હકકદાર હતા છતાં સામાવાળા વીમા કંપનીએ ખોટી અને ગેરવ્યાજબી રીતે કલેમ ચુકવવા ઇન્કાર કરેલ હોય, સામાવાળાની સેવામાં ખામી થઈ હોવાનું જણાવી કલેઇમની રકમ રૂ.૮૦,૦૦૦/- ૭% ના વ્યાજ સાથે શારીરિક માનસિક ત્રાસ, તથા ખર્ચ માટે બીજા રૂ. ૩૦૦૦/- ચુકવવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.