Comments

માનવમૂલ્યો ઉપર વેપારીઓ ભારે પડ્યા!

આ સમયની સૌથી ખરાબ બાબત કઈ છે? કોરોનાના કારણે કીડી મંકોડાની જેમ મૃત્યુ પામેલાં લોકો? વર્ષો પછી યુધ્ધના હુમલામાં માર્યા જતા નિર્દોષ માણસો? વધતો જતો વસ્તુવાદ? વિચારધારાઓનો અંત? હશે, સૌ નો પોતપોતાનો મત હશે. પણ ધ્યાનપૂર્વક જોતાં લાગે છે કે કદાચ વધતી વૈશ્વિક વેપારવૃત્તિ- એટલે કે રોગ હોય કે યુધ્ધ, શિક્ષણ હોય કે ધર્મ, બધે જ કમાઈ લેવાની વૃત્તિ અને તે મુજબની ગોઠવણીનો સાર્વત્રિક સ્વીકાર એ આ સમયનું સૌથી ખરાબ પાસું છે! એક શબ્દ ઘણી વાર સાંભળવા મળે છે. ‘‘યુગ’’.. ગાંધીયુગ, પંડિતયુગ, વિજ્ઞાનયુગ.. આ શબ્દોનો સાદો અર્થ છે જે તે સમયે સર્વ સ્વીકૃત અને વ્યાપક બનેલી વિચારધારા. એક સમયે ગાંધી વિચારની અસર, શિક્ષણ, રાજનીતિ, વેપાર, સાહિત્ય કહો કે જીવનનાં તમામ ક્ષેત્રોમાં જોવા મળતી માટે તે સમયગાળાને ‘‘ગાંધીયુગ’’ કહેવા લોકો પ્રેરાયાં. જો આ જ ક્રમમાં કહેવું હોય તો અત્યારે ‘‘વેપાર યુગ’’ ચાલે છે. એવું નથી કે માત્ર ભારતમાં જ ખાનગીકરણ અને ઉદારીકરણની અસર નીચે બધું વેચાવા માંડ્યું છે અને બધા વેપાર દૃષ્ટિથી જ વિચારતા થઈ ગયા છે.

વૈશ્વિક કક્ષાએ ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશો પણ નિતાંત વેપારને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો કરી રહ્યા છે અને આ વધતા વેપારી વર્ચસ્વ હવે માનવમૂલ્યોને બાનમાં લીધાં છે!યુક્રેન અને રશિયાના યુધ્ધમાં ભારતે તટસ્થતા જાળવી પણ ગોળીબારે તટસ્થતા ન જાળવી. એક ભારતીય યુવાન આપણે ગુમાવ્યો! જો કે આ યુધ્ધમાં અનેક નિર્દોષ નાગરિકે પ્રાણ ગુમાવ્યા જ છે! તો આ ઝઘડો છે શેનો? શસ્ત્રો વેચવાનો! બજારમાં મોટા વેપારી થવાનો. વેપારીઓનું એક જૂથ એક બીજા વેપારીના વેપારને અનૈતિક ગણે છે. આ વેપારી પાસેથી માલ ખરીદનારા પેલા વેપારી જૂથને ટેકો આપતા નથી.

દુનિયામાં રશિયા અને અમેરિકા એ વિચારધારાને કારણે નથી હટતા. વેપારમાં સ્પર્ધા હોવાને કારણે લડે છે. ઈઝરાયલ પેલેસ્ટાઈન પર હુમલા કરે. અમેરિકા ઈરાક ઈરાન પર હુમલા કરે. પાકિસ્તાન કાશ્મીરમાં ત્રાસ ફેલાવે. ચીન તિબેટ-તાઈવાન પર રોફ જમાવે ત્યારે પણ એટલી જ ચિંતા થવી જોઈએ જેટલી રશિયા યુક્રેન પર દાદાગીરી કરે ત્યારે થાય. બધા જ યુક્રેનને કહે છે તમે લડો અમે હથિયાર આપીશું! વાત માત્ર શસ્ત્રોના વેપારની નથી. કોરોનામાં બધાએ આરોગ્યમાં ધંધો જ કર્યો, શિક્ષણની વધતી ભૂખ સામે દેશ-વિદેશમાં કોલેજો-યુનિની. હાટડીઓ જ ખૂલી, ટેકનોલોજીએ મદદ કરી તો રમત-ગમત કરતાં તેના પ્રસારણનો ધંધો જ મોટો થયો અને રાજનીતિમાં પણ વેપારીઓ અધિકારીઓને પોતાની તરફ કરી નેતાઓ દ્વારા ધંધો કરવા-વિકસાવવા લાગ્યા છે. માટે રાજકારણમાં પણ રાજનીતિનો તો વેપારનીતિએ ભોગ જ લીધો છે. ટૂંકમાં પહેલાં શિક્ષણમાં શિક્ષણનાં મૂલ્યો હતાં. કલા-સાહિત્યમાં તેનાં મૂલ્યો હતાં. રમત-ગમતમાં તેનાં મૂલ્યો હતાં અને જાહેરજીવનમાં માનવ મૂલ્યો હતા. પણ આજે વેપારની ગણત્રીએ માનવમૂલ્યોનો ભોગ લીધો છે!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top