રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. જેથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારનાં રોડ, રસ્તા, નાળાં તૂટી ગયાં છે. તો બીજી બાજુ કરજણ ડેમના (Karjan Dam) ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ પાણી આસપાસનાં ખેતરોમાં (farm) ફરી વળતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો, કેળા સહિત અન્ય ખેતીના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હાલમાં જ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા, દરમિયાન એમણે ખેડૂતોની રજૂઆત બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને ખેતીના પાકમાં નુકસાની મુદ્દે સરવે કરી યોગ્ય વળતર વહેલી તકે આપવા ખેડૂતોની સામે ટેલિફોનીક રજૂઆત કરી હતી.
- કરજણ ડેમના ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતાં પાકને ગંભીર અસર
કરજણ ડેમમાંથી પાણી 2 લાખ ક્યુસેક પાણી છોડવાથી તથા વરસાદના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કરજણ ડેમના કાંઠા વિસ્તારના ગામના ખેડૂતો કેળાનું ઉત્પાદન કરે છે, તેઓને ભારે નુકસાન થયું છે. આ વખતની સિઝનમાં કેળાંનો ખૂબ જ સારો ભાવ 400 રૂપિયા જેટલો મળી રહ્યો છે. આટલો ઊંચો ભાવ ખેડૂતોને કોઈ દિવસ મળ્યો નથી. ત્યારે ખેડૂતોને આશા હતી કે આ વખતે અગાઉ ખોટ પુરાઈ જશે, પણ આ વખતે પણ વધુ વરસાદી પાણીને એમના ખેતરોમાં ફરી વળતાં કેળાંનો ઊભો પાક નાશ પામતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.
નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં કેળાના ઉત્પાદનમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે નર્મદા જિલ્લાનાં કેળાં દેશ-વિદેશ જાય છે, ત્યારે અત્યારે ખેડૂતોને કેળાંના પાકમાં જે નુકસાન થયું છે એ નુકસાનીનું થોડું ઘણું નહીં પણ પૂરેપૂરું વળતર મળે તેવી ખેડૂતોની માંગ છે. ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરેલાં કેળાં તાત્કાલિક કટિંગ કરાવી લીધાં હતાં.
નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહનો પાર્ક થતાં અન્ય ચાલકોને જોખમ
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ અને વરસાદી વાતાવરણ બાદ નર્મદા નદીનાં નયનરમ્ય દૃશ્યો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી રહ્યા છે. બંને કાંઠે વહેતી નર્મદા નદી સાથે સેલ્ફી કે ફોટો લેવાની લાયમાં લોકો નર્મદા મૈયા બ્રિજ પર જ વાહનો પાર્ક કરી રહ્યાં છે. જેના કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો માટે પાર્ક રહેલાં વાહનોથી અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ પ્રકારના વાહન ચાલકોને સમજાવટ માટેનાં સૂચન બોર્ડ તંત્રએ લગાડવા ખૂબ જ જરૂરી બન્યાં છે. બ્રિજના બંને છેડે પોલીસના કર્મીઓ છે, છતાં આ બ્રિજ પર સાંજના સમયે મોટી માત્રામાં વાહનો બ્રિજ પર જ પાર્ક થઈ રહ્યા .છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી આ પ્રકારના વાહનચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી કરવાની તાતી જરૂર જણાઇ રહી છે.