વ્યારા: શાળાના આચાર્યને સમાજમાં ખૂબ જ ઉંચો દરજ્જો આપવામાં આવે છે, હજારો બાળકોનો ઘડવૈયો આચાર્ય જ રક્ષકને બદલે ભક્ષક બને ત્યારે ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ લજ્જીત થઈ જાય છે. આવી જ એક શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સોનગઢની વાડી ભેંસરોટ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં બની છે.
- આદિવાસી સમાજમાં ભારે આક્રોશ: ઘણા સમયથી પાસ કરાવવાની લાલચ અને નાપાસ કરાવવાની ધમકી આપી આચાર્ય શરણે થવા દબાણ કરતો હતો
- વાડી ભેંસરોટ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્ય મિનેશ પટેલે નશાની હાલતમાં રાત્રે 12 વાગ્યે પાછલા બારણે હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થિનીઓને બહાર આવવા કહ્યું હતું
આ આશ્રમશાળાના નરાધમ આચાર્ય મિનેશ ગીરીશ પટેલે સોમવારની મોડી રાતે નશાની હાલતમાં ધો.૯ની બે વિદ્યાર્થિનીને પીંખી નાંખવાનો પ્રયાસ કરતાં વિદ્યાર્થિનીઓ અડધી રાતે હોસ્ટેલ છોડી ત્યાંથી ભાગી છૂટવા મજબૂર બની હતી. આદિવાસી સમાજમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ બનાવમાં ભારે વિરોધ થતાં પોલીસે નરાધમ આચાર્ય મિનેશ પટેલની ધરપકડ કરી હતી.
ધો.9ની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં હોમવર્ક કરી રહી હતી, ત્યારે પાછલા બારણેથી કેમેરાની નજર ચૂકવી બે વિદ્યાર્થિનીઓને બહાર આવવા નશાખોર આચાર્યએ દબાણ કર્યું હતું. હવસખોર આચાર્યને જોઇ વિદ્યાર્થિનીઓ રાતના 12 વાગે પોતાની ઇજ્જત બચાવી હોસ્ટેલ છોડીને ભાગી નીકળી હતી.
વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ શાળા શરૂ થઈ ત્યારથી જ લંપટ આચાર્ય મિનેશ લેટર આપીને ‘હું તને સાચો પ્રેમ કરું છું’ ‘તને ધો. 10માં પાસ કરાવી આપીશ’ જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તને નાપાસ કરીને અહીંથી જવા નહીં દઉં, એવી લાલચ અને ધમકીઓ આપતો હતો. પરંતુ વિદ્યાર્થિનીઓ ક્યારે પણ આચાર્યને વશ થઈ ન હતી.
પરંતુ ગત રાતે આચાર્ય હદ વટાવી દારૂના નશામાં વિદ્યાર્થિનીઓને હોસ્ટેલની બહાર નીકળવા દબાણ કરવા લાગ્યો ત્યારે વિદ્યાર્થિની હોસ્ટેલ સામે દુકાનદાર પાસે પહોંચી, પોતાના વાલીઓને ફોન કરી બોલાવતાં રાતે 2 વાગે વાલીઓ આ વિદ્યાર્થિનીઓને પોતાના ઘરે લઈ ગયા હતા. સોનગઢનાં સિંગલખાંચ અને પાઘડધુવા ગામની બે આદિવાસી વિદ્યાર્થિનીઓને આચાર્ય દ્વારા છેડતીનો પ્રયાસનો મામલો બહાર આવ્યો છે. આ મામલે ઉકાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી નરાધમ આચાર્યની ધરપકડ કરી હતી.
ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું
સોનગઢના ઘોડા ગ્રામ પંચાયતના સરપંચ જેસનીબેને કહ્યું કે ઘણા સમયથી પ્રિન્સિપાલ મિનેશ ચિઠ્ઠીમાં આઇ લવ યુ લખીને મેસેજ મોકલતો હતો, સબંધ નહીં રાખે તો દશમું પાસ નહીં કરી શકશો, દારૂ પીને બાળકીઓની રોજે રોજ છેડતી કરતો હતો. વાલીઓ યોગ્ય ભરણપોષણ કરી શકતા ન હોય આશ્રમશાળામાં મૂકી અભ્યાસ કરાવે છે, ત્યારે દીકરીની છેડતી કરાતી હોવાની ઘટના બહાર આવતાં બાળકીઓની સુરક્ષા સામે સવાલો ઊઠ્યા છે. ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું.
ઘણાં શિક્ષકો-આચાર્યો છોકરીઓની છેડતી કરતા હોય છે, પગલાં ભરાવા જોઈએ
તાપી જિલ્લા પંચાયતના સભ્ય સરિતા જે વસાવાએ કહ્યું કે વાલીઓ ગરીબ હોય બાળકીઓને ભણાવવા આશ્રમશાળાએ મોકલે છે. અમારી જાણમાં એવું પણ છે કે, ઘણી બધી સ્કુલોમાં એવા શિક્ષકો કે આચાર્યો હોય છે કે જેઓ છોકરીઓની છેડતી કરતા હોય છે. સમાજ, માતા- પિતા કે પોતાની ઇજ્જત ખાતર તેઓ બહાર આવીને કંઈ બોલી શકતી નથી. આ છોકરીઓએ બોલવાની હિંમ્મત કરી છે ત્યારે તેઓને ન્યાય મળવો જોઇએ.