National

ખાદ્ય તેલમાં ભારતને આત્મનિર્ભર બનાવવા રૂ. 11000 કરોડનું રાષ્ટ્રીય મિશન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલોની આયાત પર દેશનું અવલંબન ઘટાડવા માટે આજે ખાદ્ય તેલ અને ઓઇલ પામ પર એક રાષ્ટ્રીય મિશનની જાહેરાત કરી હતી જેમાં ઘરેલુ ઉત્પાદન વધારવા માટે રૂ. 11000 કરોડનું રોકાણ કરવામાં આવશે.વડા પ્રધાને રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન – ઓઇલ પામ એટલે કે NMEO-OP પર પ્રકાશ પાડીને તેને ખાદ્યતેલમાં દેશને આત્મનિર્ભર બનાવનાર મિશન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે, જ્યારે દેશ આજના ઐતિહાસિક દિવસે ભારત છોડો ચળવળને યાદ કરી રહ્યો છે ત્યારે આ સંકલ્પ આપણામાં નવી ઉર્જા ભરી દે છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન- ઓઇલ પામ મિશન દ્વારા દેશમાં ખાદ્યતેલમાં ઇકોસિસ્ટમમાં રૂપિયા 11,000 કરોડ કરતાં વધારે રકમનું રોકાણ કરવામાં આવશે.

કુલ ખાદ્ય તેલોની આયાતમાં પામ ઓઇલનો હિસ્સો 55% છે ત્યારે આ નેશનલ મિશન એ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણથી ટેકનોલોજી સુધી તમામ સગવડો મળે.મોદીએ કહ્યું કે ચોખા, ઘઉં અને ખાંડની બાબતમાં ભારત આત્મનિર્ભર બની ગયું છે પણ એ પૂરતું નથી કેમ કે ખાદ્ય તેલોની જંગી આયાત પર દેશ અવલંબે છે. છેલ્લા છ વર્ષોમાં કઠોળના ઉત્પાદનમાં 50%નો વધારો થયો છે એમ ખેડૂતો ખાદ્ય તેલમાં પણ કરી શકે છે. ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનવા આજની તાતી જરૂર છે.

મોદીએ કહ્યું કે દેશ ખાદ્ય તેલોની આયાત પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચે છે એ ખેડૂતોને મળવા જોઇએ. ઉત્તર પૂર્વ અને આંદામાન નિકોબાર પ્રદેશમાં ઓઇલ પામ ફાર્મિંગને ઉત્તેજન આપી શકાય. એનાથી ખેડૂતો અને ગ્રાહકો બેઉને લાભ થશે.ભારત એની આશરે 25 મિલિયન ટનની વાર્ષિક ખાદ્ય તેલની માગના 60% આયાત કરે છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાંક મહિનાઓમાં ખાદ્ય તેલના છૂટક ભાવો વધ્યા છે. સંસદમાં સરકારે જ જણાવ્યું હતું કે જુલાઇમાં ભાવ 52% વધ્યા હતા.

સરકાર સુનિશ્ચિત કરશે કે, ખેડૂતોને ગુણવત્તાપૂર્ણ બિયારણથી લઇને ટેકનોલોજી સહિત તમામ પ્રકારે દરેક સુવિધાઓ પ્રાપ્ત થાય. વડા પ્રધાને ટાંક્યું હતું કે, આજે પ્રથમ વખત, ભારત કૃષિ નિકાસના સંદર્ભમાં દુનિયાભરમાં સૌથી ટોચના 10 દેશોમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું છે. દેશે કોરોના સમય દરમિયાન કૃષિ નિકાસના ક્ષેત્રમાં નવા વિક્રમો સ્થાપિત કર્યા છે. આજે, ભારતને જ્યારે એક મોટા કૃષિ નિકાસકર્તા દેશ તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે, આપણી ખાદ્યતેલની જરૂરિયાતો માટે આપણે અન્ય દેશો પર નિર્ભર રહીએ તે યોગ્ય નથી.

Most Popular

To Top