સુરત: કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની (Ministry of Civil Aviation) ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) સ્કીમ હેઠળની પાંચમી યોજના ઉડાન-5.0 (Udan5.0) હેઠળ ઈન્ડિગો એરલાઇન્સે (Indigo Airlines) સુરત-દિવ-સુરત, સ્પાઇસ જેટ એરલાઈન્સે (SpiceJetAirlines) સુરત-બિકાનેર-સુરત અને સ્ટાર એરલાઈન્સે (StarAirlines) સુરત-બિકાનેર-સુરતની બીડ જીતી છે.
એવિએશન મંત્રાલયની જાહેરાત મુજબ ઈન્ડિગો સુરત-દિવ તો સ્પાઇસ જેટ સુરત-બિકાનેરની ડેઇલી અને સ્ટાર એર સુરત-મુન્દ્રાની સપ્તાહમાં 5 દિવસની ફ્લાઈટ શરૂ કરશે. ઈન્ડિગો સુરતથી દીવ માટે 72 સીટર એટીઆર અને સ્પાઇસ જેટ સુરતથી બિકાનેર માટે 78 સીટર એટીઆર વિમાનનો ઉપયોગ કરશે. જ્યારે સ્ટાર એર સુરતથી દિવ માટે 76 સીટર વિમાન ઓપરેટ કરશે. માત્ર પ્રારંભિક પ્રમોશનલ ગણતરીની ટીકીટ 2500 રૂપિયા સુધી લકી પેસેન્જરને એડવાન્સ બુકીંગમાં મળી શકશે.
સુરતથી દિવ અને ગીર-સોમનાથ જનારા પેસેન્જરોની સંખ્યા વધુ હોવાથી ઈન્ડિગો એરલાઈન્સે ટુરિઝમના હેતુથી ડેઇલી ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધે છે. જ્યારે સ્ટાર એર એ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રહેતા કચ્છી સમાજના લોકો અને મુન્દ્રા પોર્ટથી બિઝનેસ કરતા ઉદ્યોગકારોને ધ્યાને રાખી આ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
સુરતમાં રાજસ્થાનના બિકાનેર અને તેની આસપાસના જિલ્લાના વતની મોટી સંખ્યામાં રહે છે. સુરતથી કાપડનો વેપાર પણ બિકાનેર કાપડ બજાર સાથે સંકળાયેલો છે. એ ધ્યાને રાખી સ્પાઇસ જેટ એરલાઈન્સે આ બીડ ભરી હતી. જોકે, સ્પાઇસ જેટે સુરત એરપોર્ટથી તેનું સંપૂર્ણ ઓપરેશન સમેટી લીધું છે એ જોતાં આ એક ફ્લાઈટ માટે તે સુરત એરપોર્ટ પર સ્ટાફ મુકશે કે કેમ અને ફ્લાઈટ શરૂ કરશે કે કેમ એને લઈ શંકા ઊભી થઈ છે.
એરલાઈન્સ, રુટ, ટિકિટનો દર
- સ્ટાર એર– સુરતથી મુંદ્રા —-3436 રૂપિયા અને— મુંદ્રાથી સુરત 3436
- ઈન્ડિગો એરલાઈન્સ — દિવથી સુરત 2495 અને સુરતથી દિવ 2935 રૂપિયા
- સ્પાઇસ જેટ— બિકાનેરથી સુરત 5249 અને સુરતથી બિકાનેર 5249 રૂપિયા.
જાણકારો કહે છે કે સુરતને ફાળે આવેલા ત્રણે રુટ અનુકૂળ છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરતનાં અગ્રણી સંજય જૈને જણાવ્યું હતું કે, ત્રણે એરલાઈન્સ વિન્ટર શિડ્યુલમાં ઓક્ટોબર મહિનાથી ફ્લાઈટ શરૂ કરે એવી શક્યતા છે. એમને દિવાળી સિઝનનો પણ લાભ મળી શકે. જોકે, એરલાઈન્સને રુટ એલોટ થઈ ગયા હોવાથી તેઓ ઈચ્છે ત્યારે વહેલા પણ ફ્લાઈટ શરૂ કરી શકે છે. સ્પાઇસ જેટ એરલાઈન્સે સુરત એરપોર્ટ પર ઓફીસ અને કેટલોક સ્ટાફ એ કારણોસર પણ જાળવી રાખ્યો હોય શકે છે.