કામરેજ: એક મહિના અગાઉ રાજકોટમાં (Rajkot) રહેતા યુવાને મિત્ર પાસેથી ફોર વ્હીલ કાર (Car) લઈને રૂપિયા આપ્યા ન હતા. આથી કામરેજ ચાર રસ્તા માસાના ઘરે આવેલા રાજકોટના યુવાનને પાનના ગલ્લા પાસેથી કાર આપનાર યુવાન સહિત સાત ઈસમો કારમાં બેસાડી ફાર્મ હાઉસમાં એક દિવસ રાખી મારી રાજકોટ લઈ ગયા હતા. જ્યાં ચપ્પુ (Knife) ડાબા હાથ પર મારી ગાળો બોલી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.
રાજકોટ-કાલાવડ રોડ આંબેડકરનગર શેરી નં.3માં ફેનિલ મુકેશભાઈ દાફડા રહે છે. રત્નકલાકાર તરીકે કામ કરે છે. ત્રણ માસ અગાઉ હુન્ડાઈ આઈ 20 કાર નં.(જીજે 36 આર 2007) કાર મિત્ર પરમવીરસિંહ ઝાલા (રહે., રેલનગર) પાસેથી રૂ.3 લાખમાં લીધી હતી, જેમાં રૂ.1,20,000 રોકડા આપી દીધા હતા. બાકીના રૂ.1,80,000 ચાર મહિનામાં આપવાના હતા. કાર લીધાને એક મહિનાના બાદ ઘરની બાજુમાં પાર્ક કરીને મૂકી હતી અને સવારના ઊઠીને જોતાં કાર જોવા મળી ન હતી. થોડીવારમાં પરમવીરસિંહ ઝાલા અને પારસ ગૌસ્વામી ઘરે આવીને કારના બાકીના રૂપિયા લેવા માટે આવતાં રૂપિયા ન હોવાનું જણાવતાં તો કાર આપવા બંનેએ જણાવતાં કાર પણ કોઈ લઈ ગયું છે, તેમ જણાવતાં બંને જતા રહ્યા હતા. બાદ રૂપિયા માટે ફોન કરતાં ફેનિલે રૂપિયા આપવાના ન હોવાથી ફોન ઊંચકવાના બંધ કરી દીધા હતા.
ગત તા.29મી માર્ચે માતા-પિતા, ભાઈ પરિવાર સાથે અમદાવાદથી હરિદ્વાર એક અઠવાડિયું રોકાઈને માસીના દીકરા દિવ્યેશ સાથે સુરત માસાને ઘરે ગયો હતો. તા.8 એપ્રિલે રાત્રિના 11.30 કલાકે કામરેજ ચાર રસ્તા ખાતે ઉમિયા કોમ્પ્લેક્સમાં પાનના ગલ્લા પર ઊભો હતો, ત્યારે મારુતિ કાર નં.(જીજે 03 એમએલ 7043)માં રાજકોટ રહેતા પરમવીરસિંહ ઝાલા, પારસ ગૌસ્વામી, શક્તિદાન ગઢવી, કાનો ઉર્ફે કૃષ્ણરાજસિંહ તેમજ ત્રણ અજાણ્યા ઈસમોએ પકડીને ફેનિલને કારમાં બેસાડી અમદાવાદ હાઈવે તરફ ફાર્મ હાઉસમાં લઈ જઈ તમામે માર મારી રૂપિયા બાબતે દબાણ કર્યુ હતું.
9 એપ્રિલના રોજ ફેનિલના પરમવીરસિંહ અને પારસ ગૌસ્વામીએ બે માણસોને ઘરે મોકલી માતા સાથે વાત કરાવી ફેનિલ તમારે જોઈતો હોય તો રૂ.1,50,000 આપી જાવ, ને ફેનિલને લઈ જવા રૂપિયા નહીં આપો તો પૂરો કરી નાંખીશુંની ધમકી આપી હતી. આથી રૂ.1,00,000ની સગવડ ફેનિલની માતાએ કરી આપતાં કારમાં બેસાડી રાજકોટ લઈ ગયા હતા. રાજકોટ રેલનગરમાં કાર ઊભી રાખી કૃષ્ણરાજસિંહે ચપ્પુ કાઢી ડાબા હાથ પર મારી આ કોઈની સગી ન થાય તેમ કહીને રૂપિયાની સગવડ કરવાનું કહી બીજી મહેન્દ્ર થાર કારમાં બેસાડી કૃષ્ણરાજસિંહ ફેનિલને ઘરે ઉતારી ગયો હતો. આ બાબતે રાજકોટ શહેરમાં ફેનિલે તમામ સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. બાદ ગુનો કામરેજમાં બનતો હોવાથી કામરેજ પોલીસે 0 નંબરથી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.