આજનો દશેરાનો દિવસ સુરત શહેર માટે શુભવંતો સાબિત થયો છે. સુરતની જીવાદોરી સમાન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની પીએમકેએસવાય-એઆઈબીપી યોજનામાં સમાવેશ કરાયો છે. આ સાથે ગુજરાતના અન્ય એક પ્રોજેક્ટનો પણ આ યોજનામાં સમાવેશ કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સુરત મહાનગર માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આજે પીએમકેએસવાય-એઆઈબીપીની સ્ક્રિનિંગ કમિટી અને જળસંપત્તિ વિભાગના ડેલિગેટેડ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠક મળી હતી.
આ બેઠકમાં ગુજરાતની લિફ્ટ સિંચાઈ યોજના અને સુરત શહેરની તાપી બેરેજ પરિયોજનાનો તાત્કાલિક અસરથી પીએમકેએસવાય-એઆઈબીપી કાર્યક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સુરત માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. કારણ કે બેરેજ યોજનાએ સુરત માટે ખૂબ જ મહત્ત્વનો છે.
શું છે તાપી બેરેજ યોજના?
લાંબા સમયથી સુરત મનપા તાપી નદી પર બેરેજ બનાવવાનું આયોજન કરી રહી છે. તાપી પર બનનારા આ બેરેજના લીધે અરબ સાગરમાં વહી જતું કરોડો લિટર મીઠા પાણીનો સંગ્રહ શક્ય બનશે. આવનારા 50 વર્ષોમાં સુરત શહેરમાં વધતી વસ્તી અને આવનારી વોટર બેઝ્ડ ઈન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી આ બેરેજ મહત્ત્વનો સાબિત થશે. આ બેરેજનું નિર્માણ શક્ય બનશે તો આવનારા 50 વર્ષમાં સુરતમાં પાણી તંગી નહીં પડે તેવી વ્યવસ્થા કરનારું વિશ્વનું પહેલું શહેર બનશે. આ પરિયોજના ગુજરાતના અન્નદાતા ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.
જણાવી દઈએ કે આ પરિયોજનાનું કુલ બજેટ 973.44 કરોડ છે. તે પૈકી કેન્દ્ર સરકાર તરફથી 584.06 કરોડની ગ્રાન્ટ મળશે. અન્ય 389.38 કરોડની નાણાંકીય સહાય ગુજરાત સરકાર તરફથી મંજૂર કરાઈ છે.