Comments

આ વખતની સામાન્ય ચૂંટણીમાં આટલી વાત સ્પષ્ટ થઈ ગઈ છે

એક તો એ કે આ વખતની સામાન્ય ચૂંટણી દરેક અર્થમાં સામાન્ય છે, અસામાન્ય નથી જે રીતની અસામાન્ય ચૂંટણી ૧૯૭૭માં, ૧૯૮૪માં, ૨૦૧૪માં અને ૨૦૧૯માં જોવા મળી હતી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ જુવાળ હતો. ૧૯૮૪માં રાજીવ ગાંધી અને કોંગ્રેસ તરફી જુવાળ હતો. ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી અને બીજેપી તરફી જુવાળ હતો. અત્યારે આમાંનું કશું નથી. નરેન્દ્ર મોદી તરફી કોઇ દેખીતો જુવાળ નથી તો એવો કોઈ જુવાળ તેમની વિરુદ્ધમાં પણ નથી.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે લોકોને એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદી નામનો ઐશ્વર્યવાન પુરુષ ગુજરતનું કલ્યાણ કરીને હવે દેશનું કલ્યાણ કરવા આવ્યો છે. તેમની પાસે ઉત્સાહ છે, ધગશ છે, ઉર્જા છે, કલ્પના છે, અનુભવ છે અને ઈમાનદારી છે. આવી એક ઈમેજ વિકસાવવામાં આવી હતી અને તેણે જુવાળ પેદા કર્યો હતો. ૨૦૧૯માં બાલાકોટ અને પુલવામાંને કારણે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન લોકોના મનમાં પેદા થયો હતો અને મતદાતાઓને એમ લાગ્યું હતું કે કોઈ કૃતસંકલ્પ અને શક્તિશાળી નેતૃત્વની દેશને જરૂર છે. નરેન્દ્ર મોદીની ચાલમાં, બોડી લેન્ગવેજમાં, ભાષામાં ખુમારી નજરે પડતી હતી.

આ વખતની ચૂંટણીમાં આમાનું કશું જ નથી. રાષ્ટ્રીય સુરક્ષાની કોઈ વાત કરે છે ત્યારે લોકોને ચીનની યાદ આવે છે. ૨૦૨૦ની સાલથી ચીન ભારતમાં લડાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારતની સેંકડો ચોરસ કિલોમીટર ભૂમિ પર કબજો જમાવીને બેઠું હોવાના અહેવાલ છે અને સરકારના કોઇ ટોચના નેતાએ ચાર વર્ષમાં ચીનનો ચ નથી ઉચાર્યો. ઉલટું ૨૦૨૦ના જૂન મહિનામાં તો દેશની પ્રજાને સધિયારો આપ્યો હતો કે દેશમાં કોઈ પ્રવેશ્યું નથી કે ભારતની કોઈ ભૂમિ પર કોઈએ કબજો કર્યો નથી. પણ તેના થી વિપરીત કેટલાંક અહેવાલો મુજબ તો ચીને માત્ર ભારતની ભૂમી પર કબજો નથી કર્યો, એ ભૂમિ પર લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે.

ચીને નકશા બદલી નાખ્યા છે અને અરુણાચલનાં પ્રદેશો અને કસબાઓનાં નામ પણ બદલી નાખ્યાં છે. લોકોમાં પણ મુંઝવણ હશે કે શા માટે ભારત આ પ્રશ્ને ઊહાપોહ નથી કરતું? શા માટે વિશ્વમત ભારતની તરફેણમાં બને અને ચીન ઉપર દબાણ પેદા થાય એ માટે પ્રયત્ન નથી કરતું? શું સરકારને એમાં ભૂંડા લાગવાની શરમ છે. શું સરકારની આવી નીતિ છે? ગમે તેમ પણ પ્રજાને સરકારનું આ વલણ દેખાયું હોય શકે છે. હજુ હમણાં જ દેશના વિદેશ પ્રધાને પત્રકારોને કહ્યું હતું કે ચીન વિશ્વની બીજા ક્રમની આર્થિક તાકાત છે, એટલે તેની સામે લડવું શક્ય નથી. આડકતરી રીતે વિદેશ પ્રધાને સત્તાવારપણે ચીનને જણાવી દીધું છે કે અમે તમારી સામે કશું કરી શકીએ એમ નથી. હવે, ચીન આનો લાભ ન લઈ શકે?

૨૦૧૪નો વિકાસનો મંત્ર પણ જાણે આગળ ધપવાને બદલે પાછો પડી રહ્યો હોય તેવુ છે. સ્માર્ટ સીટીઝ, સ્કીલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, દરેક હાથને કામ વગેરેને તો હવે જાણે ભૂલાઇ જ ગયા છે. ઘણી વાર વિકાસની કોઈ યાદ પણ કરાવે છે તો લોકોને મોંઘવારી અને બેકારીની યાદ આવે. અને તેમા પાછું ઇલેક્ટોરલ બોન્ડ્સની જો યાદ આવે તો તેમાંય ક્યાંક ભ્રષ્ટાચાર અને ખોટું રંધાયાની યાદ આવી શકે. તો ૨૦૧૪ અને ૨૦૨૪થી ઉલટું આ વખતની ચૂંટણી જુવાળ વિનાની, કોઈ વ્યક્તિ કે પક્ષની તરફેણમાં સ્ટ્રોંગ નેરેટિવ વિનાની સામાન્ય ચૂંટણી છે જેમાં વડાપ્રધાન પણ થોડા રક્ષાત્માક ભૂમિકામાં જણાય છે. જાણે આ વખતે ૨૦૧૪ને અને ૨૦૧૯ના વિકાસ, બહાદુરી, નિસ્વાર્થતા અને પ્રામાણિકતા જેવા મુદ્દાઓ પરની કલઈ ઉખડી ગઈ હોય તેમ.

આ વખતની ચૂંટણીનું બીજું લક્ષણ એ છે કે ચૂંટણી લોકોએ હાથમાં લઈ લીધી છે. વિરોધ પક્ષો કરતાં પણ લોકો વધારે સક્રિય છે. વડા પ્રધાન જે ભુલાવા માંગે છે એને લોકો ધરાર યાદ કરાવી રહ્યા છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં શાસકોએ સોશ્યલ મીડિયાનો પોતાની તરફેણમાં ઉપયોગ કર્યો હતો અને અત્યારે લોકો તેનો શાસકો સામે ઉપયોગ કરી રહ્યા છે. આને કારણે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ ઓછો નડે છે અને શાસક પક્ષની સંસાધનોની છૂટનો ઓછો પ્રભાવ પાડે છે. આવું આ પહેલાં કર્ણાટકમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. વિરોધ પક્ષોને લોકોની જરૂર છે એના કરતાં લોકોને વિરોધ પક્ષોની વધારે જરૂર જણાય છે.

પણ આવું કેમ બન્યું? ખોટી ગણતરી અને ગણતરી પરના વધારે પડતા ભરોસાને કારણે? ગણતરી એમ હોય શકે કે વિરોધ પક્ષોને અને વિરોધ પક્ષના નેતાઓને નિસ્તેજ કરી નાખવાના. તે માટે વિપક્ષની સરકારો પર સંકટ આવે તેવુ કરવું, તેમની અંદર વિભાજન થાય તેવા સંજોગો ઊભા કરવા, સરકારી વગ વાપરી નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કેસોનું શસ્ત્ર ઉગામવું, વિપાક્ષો નાણાકીય ભીંસમાં મુકાય તેવા સંજોગો લાવવા વગેરે વગેરે. ૨૦૨૩ના ડીસેમ્બર મહિના સુધીમાં વિરોધ પક્ષો નબળા પડી જાય પછી ૨૦૨૪ના જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન અને દેશને અર્પણ કરવાનું. ચારસો સીટ માટેની બધી સામગ્રી તૈયાર! નબળા અથવા નાં માત્ર જેવા વિપક્ષ સામે અને ભગવાન રામના જુવાળ વચ્ચે સમય આવે લોકસભાની ચૂંટણીનો.

આ ગણતરીઓ વચ્ચે વિપક્ષને નબળો કરવા તેના નેતાઓ સામે સામ દામ, દંડ, ભેદની નીતિ ઉપરાંત પહેલવાન છોકરીઓના આંદોલન, મણીપુરની હિંસા, આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશવા ન દેવા જેવી ઘટનાઓ બનતી રહી. પણ સરકારે મોટા ભાગે આ બધા વિષે મૌન રહેવાનું પસંદ કર્યું. અનેક મીડિયાએ પણ આ મુદ્દાઓને ઝાઝા ચગાવ્યા નહી. પણ પ્રજા આ બધું ચૂપચાપ જોતી જ હશે અને મનોમન શાસકોની નિયત અને વલણ વિષે અભિપ્રાય બનાવતી હશે. એમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન થયું અને વડા પ્રધાને કહ્યું; ઇસ બાર ચારસો પાર. અને વળી લોકસભામાં કહ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો.

આમ કહ્યું તેનાથી પણ લોકોના મનમાં સાવધાનીની ઘંટડી શુ વાગવા માંડી હશે? જો ૩૦૩માં સરકારનું વલણ બેફિકરું હોય તો ૪૦૦ પછી શું થશે? બંધારણ બદલાશે, અનમતની જોગવાઈ જશે? ખેડૂતો લડીને ૨૦૨૧માં તો ફાવ્યા પણ ૪૦૦ પછી ખેડૂતો નહીં ફાવે અને જમીન ગુમાવશે? યુવાઓ નોકરી માગવાના નામે ઉહાપોહ કરશે તો જેલમાં જવાનો વખત આવશે? પહેલવાન છોકરીઓ અને મણીપુરની સ્ત્રીનાં ચહેરા પણ લોકોને યાદ આવ્યા હોય શકે. દેશપ્રેમના નામે, રાષ્ટ્રવાદના નામે, હિંદુ મુસ્લિમના નામે આ બધું થતું રહેશે? પ્રજાના મનમાં જે ઘંટડી વાગવા માંડી એ હવે ઘંટનાદમાં ફેરવાઈ કે નહી તે તો વખત જ બતાવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top