વડોદરા : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ વિભાગને પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.જોકે તેમાંથી જેલ પોલીસને બાકાત રખાતા સમગ્ર રાજ્યમાં જેલ પોલીસ કર્મીઓમાં વિરોધના સુર રેલાયા છે.અગાઉ વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યા બાદ બુધવારે વડોદરા સેન્ટ્રલ જેલના 200 થી 250 જેટલા જેલ પોલીસ કર્મચારીઓએ માસીએલ પર ઉતરી જઈ પોસ્ટરો સાથે દેખાવ કર્યા હતા. જાહેર સુરક્ષા ભથ્થામાંથી બાકાત રાખતા સમગ્ર રાજ્યમાં જેલ વિભાગના કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો છે. પોલીસ કર્મચારીઓના આંદોલન બાદ સરકારે પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો હતો. જોકે જેલ વિભાગના કર્મચારીઓનો સમાવેશ ન કરાતા આ વિવાદના વંટોળ ઉભા થયા છે.
આ વિવાદને લઈને જેલ વિભાગના કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જેલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સરકારે જાહેર કરેલા 500 કરોડના જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં સમાવેશ કરવાની માંગ કરી છે. સરકારે આ પ્રોત્સાહન પેકેજમાં જેલમાં ફરજ બજાવતા કર્મચારીઓને 500 કરોડના પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
જેથી જ્યાં સુધી તેમની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી તમામ કર્મચારીઓ સીએલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.સાથે પોલીસ માટેના ફિક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં જેલ પોલીસનો સમાવેશ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે.
તો અમારું આંદોલન વધુને વધુ ઉગ્ર બનશે
વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે 200 થી 250 જેટલો સ્ટાફ માસ સીએલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા જે પોલીસ વિભાગને 550 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. એમાંથી જેલ પોલીસનો ઉલ્લેખ કર્યો નથી. અમારી જેલ પોલીસની સીટી પોલીસ અને એસઆરપીની ભરતી એક હોવા છતાં પણ અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી અમને પણ એ પ્રોત્સાહન ભથ્થું આપવામાં આવે.કુલ સાત માંગો છે. એમાં ત્રણ ત્રણ વર્ષે જે બદલી થતી રહે છે. એમાં પાંચ વર્ષે બદલી થાય, ઝોનવાઈઝ કરવા બાબત, આ સહિતની અમારી જે માંગણીઓ છે. જો ભવિષ્યમાં અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું રહેશે – કલ્પેશ કુમાર અડિયા,જેલ પોલીસ
જેલ પોલીસને પ્રોત્સાહનના લાભ આપવામાં આવે
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવામાં આવ્યું તો તેમાં હથિયારી, બિન હથિયારી પોલીસ અને રિઝર્વ પોલીસનો સમાવેશ કરાયેા પરંતુ જેલ પોલીસનો સમાવેશ કરાયો નથી. તો અમારી પ્રથમ માંગણી છે કે જેલ પોલીસને પ્રોત્સાહનના લાભ આપવામાં આવે અને જે છૂટક પડતર પ્રશ્નોની માંગ છે એ પૂરી કરવામાં આવે એવી અમારી વિનંતી છે. – જેલ પોલીસ કર્મચારી