નવસારી: (Navsari) ઉન ગામ પાસે ચાલક ટેમ્પો ઉભો રાખી સુઈ ગયો હતો. ત્યારે ચોરો (Thief) ટેમ્પોનો કાચ કાઢી મોબાઈલ ચોરી કરી 88 હજાર રૂપિયા ટ્રાન્સફર (Transfer) કરી લીધાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ મૂળ યુ.પી.ના આગ્રા જિલ્લાના બાહ તાલુકાના પીઢોરા ગામે અને હાલ સુરતના પલસાણા જોલવા આરાધના લેક ટાઉનમાં રહેતા અજીતસિંહ સુબેદારસિંહ ઠાકોર સુરત ખાતે આવેલા જબ્બરસિંગ ભાટીના જય અંબે કેરિયર ટ્રાન્સપોર્ટમાં આઈસર ટેમ્પો (નં. એમએચ-48-બીએમ-3684) ના ડ્રાઈવર (Driver) તરીકે નોકરી કરે છે. ગત 23મીએ અજીતસિંહ આઈસર ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટનો (Transport) માલ ભરી મુંબઈ વસઈ આપવા માટે નીકળ્યા હતા. દરમિયાન મોડી રાત્રે અજીતસિંહને ઊંઘ આવતા તેણે નેશનલ હાઇવે નં. 48 ઉપર ઉન ગામ પાસે ઇન્ડીયન પેટ્રોલપંપ સામે ટેમ્પો (Tempo) ઉભો રાખી સુઈ ગયા હતા.
- ચાલક સુતો રહ્યો અને ચોરો ટેમ્પોનો કાચ કાઢી મોબાઈલ ચોરી 88 હજાર ટ્રાન્સફર કરી લીધા
- ટેમ્પોમાં માલ ભરી મુંબઈ જતા ચાલકને ઊંઘ આવતા ઉન પાસે હાઇવે પર સુઈ ગયો અને તસ્કરો કળા કરી ગયા
દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ટેમ્પાની આગળનો હેડ કાચનું રબ્બર કાઢી હેડ કાચ કાઢી અજીતસિંહનો મોબાઈલ ચોરી કરી નાસી ગયા હતા. અજીતસિંહ સવારે ઉઠ્યો ત્યારે ટેમ્પાનો હેડ કાચ જોવા મળ્યો ન હતો. જેથી તેણે ટેમ્પાની નીચે ઉતરી જોતા કાચ ટેમ્પાની આગળ પડ્યો હતો. અને કેબીનમાં ફોન લેવા જતા ફોન મળ્યો ન હતો. તેણે આજુબાજુમાં પણ તપાસ કરી હતી. પરંતુ મોબાઈલ મળ્યો ન હતો. જોકે ટ્રાન્સપોર્ટનો માલ પહોંચાડવામાં મોડું થતું હોવાથી અજીતસિંહ ટેમ્પાનો હેડ કાચ બાજુમાં પંચરવાળાની દુકાને મૂકી મુંબઈ માલ પહોંચાડવા માટે નીકળી ગયો હતો. ત્યાંથી અજીતસિંહ પરત ફરતા કાચ લેવા માટે પંચરવાળાની દુકાને ઉભા રહ્યા હતા. ત્યારે કાચ ટેમ્પામાં ચઢાવતી વેળા તૂટી ગયો હતો.
ગત 24મીએ અજીતસિંહ ટેમ્પોનો કાચ ફીટ કરાવતા તેના 7500 રૂપિયા આપવાના હોવાથી પૈસા એ.ટી.એમ. માં ઉપાડવા ગયા હતા. જ્યાં અજીતસિંહને તેના ખાતામાં બેલેન્સ બતાવતું ન હતી. જેથી અજીતસિંહ બેંકમાં જઈ બેંક સ્ટેટમેન્ટ કઢાવતા યુપીઆઈ પીન દ્વારા 88,490 રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું જણાયું હતું. જેથી કોઈ અજાણ્યો ચોરે અજીતસિંહનો મોબાઈલ ચોરી કરી ફોન પે એપનો પાસવર્ડ ખોલી ટ્રાન્જેક્શન કર્યું હોવાનું ધ્યાને આવતા અજીતસિંહે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. ડી.કે. પટેલે હાથ ધરી છે.