Comments

સમસ્યા જ નથી તે ઉકેલાય છે

કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થયો તે સાથે ભારતીય જનતા પક્ષે પણ તેનો મતનો હિસ્સો જાળવી રાખ્યો. 43 ટકાની લગોલગ આવવા કોંગ્રેસે 5 ટકા ઉમેર્યા તો 36 ટકા માટે ભારતીય જનતા પક્ષે 0.2 ટકા મત ગુમાવ્યા. કોંગ્રેસે લોકપ્રિયતા કેમ વધારી? કારણો ઘણાં હોઇ શકે, પણ શાસનવિરોધી લાગણીઓ તેમાં નથી. કેમ? કારણ કે ભારતીય જનતા પક્ષે તેની લોકપ્રિયતાનું સ્તર જાળવી એટલા જ મત મેળવ્યા. જો કે પાંચ વર્ષમાં વસ્તી વધી એ જુદી વાત છે.

શાસનવિરોધી લાગણી ન હતી તો બીજું શું હતું? પક્ષ પોતે જ કહે છે તેમ તેમણે જે પાંચ યોજનાઓનાં વચન આપ્યાં હતાં તે અને ભારત જોડો યાત્રા. પહેલાં પાંચ યોજનાઓની વાત કરીએ. 1. મહિને 200 યુનિટ વીજળી મફત, 2. ઘરની દરેક વડીલ મહિલાને રૂા. 2000, 3. નોકરી વિનાના સ્નાતક યુવાનો દર મહિને રૂા. 3000 અને ડિપ્લોમાધારકને દર મહિને રૂા. 1500, 4. ગરીબીની રેખા હેઠળના પરિવારને 10 કિલો મફત ચોખા અને 5. રાજયની તમામ બસમાં તમામ સ્ત્રીઓને મફત મુસાફરી.

આ મુખ્ય બાબતો હતી તે ઉપરાંત અન્ય પણ કેટલીક બાબતો હતી. ગ્રામીણ વિસ્તારમાં મોખરાની આરોગ્ય કર્મચારી ‘આશા’ કાર્યકરોને દર મહિને રૂા. 5000નો નિશ્ચિત પગાર મળશે. મધ્યાહ્ન ભોજન યોજનાના રસોઇયાઓ અને આંગણવાડી કાર્યકરોને દર મહિને રૂા. 2400થી રૂા. 3500 વધારે મળશે. રાતપાળી કરતા પોલીસ કર્મચારીઓને દર મહિને રૂા. 5000ની રકમ ઉપરાંત એક મહિનાનો પગાર વધારામાં મળશે.

આપણને આ બધી વાતની ખબર ન હોય, પણ જેમને લાભ થવાનો છે તેમને ખબર નહીં હોય તેવું નહીં બને. કર્ણાટકમાં 65000 આંગણવાડીઓ છે અને એક લાખ પોલીસો છે. હવે બેંગ્લોરની એક ગરીબ ગૃહિણીને દર મહિને રૂા. 2000, રૂા. 1200નો બસનો પાસ અને દસ કિલો ચોખા અને 200 યુનિટ મફત વીજળી. આ રકમ નાની નથી અને તેના જીવનમાં ફેર પાડી શકે છે.

જાણીતા અર્થ વિશ્લેષણકાર ઔર્નિદ્ય ચક્રવર્તીએ દર્શાવ્યું છે કે રાજયની માથાદીઠ સરેરાશ આવક રૂા. 22000/- છે.પણ તે અસમાન છે. રાજયની 60 ટકાથી વધુ વસ્તી દર મહિને માત્ર રૂા. 13800 કમાય છે. હવે રાજય સરકારે જે વચન આપ્યાં તેનાથી તેના જીવનમાં કેટલો મોટો ફેર પડી શકે? આ યોજનાઓનો મતલબ શું? કેન્દ્ર સરકાર કહે છે તેનાથી વિપરીત છે. પાંચમાંથી કઇ યોજના લોકો માટે વ્યાપકપણે ફાયદાકારક છે? ભૂખમરા આંકમાં ભારત પાછળ ગયું છે તેનો સરકાર ઇન્કાર ન કરી શકે પણ મફત અનાજનો વિચાર ગણનાપાત્ર વસ્તીને સ્પર્શી ગયો છે.

ભારતમાં રોજગારીના બે નિર્દેશ છે. 1. સરકારે એકત્ર કરેલા આંકડા, 2. ખાનગી પેઢી- સી.એમ.આઇ.ઇ. એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક મોનિટરિંગ પ્રાઇવેટ લિમિટેડ. આ સેન્ટર કહે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે અને પાંચ વર્ષમાં 6 ટકાથી નીચે ગયો નથી. રોજગારી જેને મળે છે તેની હિસ્સેદારીનું પ્રમાણ પણ ઘટે છે. લોકોને કયાં તો રોજગારી મળતી નથી અથવા જેવી નોકરી જોઇએ છે તેવી નથી મળતી. સ્નાતક થયેલા યુવક ડિલીવરી બોય અથવા ટેકસી ડ્રાઇવર બનવા તૈયાર નથી.તેમણે નોકરીની શોધ જ બંધ કરી દીધી છે.

ખુદ સરકારની માહિતી કહે છે કે દેશમાં નોકરી વિનાનાં સ્નાતકોની સંખ્યા 15 ટકા છે. શ્રમ ક્ષેત્રે ભારતીય સ્ત્રીઓની હિસ્સેદારી આખી દુનિયામાં ઓછી છે. તેનાં અનેક કારણો હોઇ શકે, પણ સુરક્ષિત, નિયમિત, બિનખર્ચાળ પરિવહન નહીં મળે તે પણ એક કારણ હોઇ શકે. આપણે એવું તારણ કાઢી શકીએ કે ભૂખ, ગરીબી અને બેરોજગારી 2023માં ભારત સમક્ષની મોટી સમસ્યા છે. આ વાત સરકાર નથી કહેતી, બલ્કે ‘સમસ્યા છે’ એવું કહેતાં અભિપ્રાય અને માહિતી તે ફગાવી દે છે.

મોદી સરકારની ‘અમૃતકાળ’ વિશ્વગુરુઓ અને એવી અન્ય કથાનો એવો કયો ભાગ છે જેણે કોંગ્રેસને સફળતા અપાવી છે? ભારતીય જનતા પક્ષ અને તેના ટેકેદારો રેવડીની ઠેકડી ઉડાવે છે. જેમને રેવડી મળે છે તેને માટે આ અપમાનજનક છે છતાં આ શબ્દપ્રયોગ વપરાય છે. આ ‘મફત’ નથી. કોઇ પણ માનવી પોતાને લાચાર અવસ્થામાં જોવાનું પસંદ ન કરે. સુસભ્ય દેશોમાં તે અધિકાર કહેવાય કારણ કે તે અધિકાર છે.ગરીબોને રાજય તરફથી અધિકારની રૂએ આ બધું મળવું જોઇએ.

મધ્યમ વર્ગનાં લોકોને 10 કિલો ચોખા અને 200 યુનિટ વીજળી માટે કતારમાં ઊભા રહેવાનો ઉત્સાહ નહીં હોય. આપણે તેને માટે મત નથી આપતા. ભારતીય જનતા પક્ષે તેને અગાઉ મળેલા મતની ટકાવારી જાળવી રાખી કારણ કે વિચારધારાને કારણે તેનો પાયો વફાદાર છે. આ પાયો શહેરોમાં અને ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગોમાં છે. આ એ વર્ગ છે, જેને માટે વૈભવી વંદેભારત ટ્રેન દોડાવાય છે. જે સમસ્યા જ નથી તેનો ઉકેલ કઢાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top