Charchapatra

શિક્ષણ ક્ષેત્રે સંવેદનશીલ વ્યક્તિઓનો અભાવ નથી

અતિ ગરીબ, લોકોનાં ઘરકામ કરીને જીવન ગુજારતી સ્ત્રીઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી, પરંતુ લોકોનાં ઘરકામ કરવા સાથે પોતાનું ભણતર ચાલુ રાખી પોતાનાં બાળકોનું ભવિષ્ય સુધારવા માટે સખત મહેનત કરતી વ્યક્તિઓ પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે પરંતુ આવી ઘરકામ કરવા સાથે પોતાના સંતાનનું ભવિષ્ય સુધારવા માટે શિક્ષા પ્રાપ્ત કરી સારી નોકરી મેળવવા સતત મહેનત કરતી વ્યક્તિઓ એમના ધ્યેયને પ્રાપ્ત કરી શકે એ માટે સામાજિક, શૈક્ષણિક તેમજ નાણાંકીય મદદની વ્યવસ્થા કરી આપનારી વ્યક્તિઓ તો જવલ્લે જ જોવા જાણવા મળે છે.

હાલમાં જ એક અખબારમાં પ્રગટ થયેલ સમાચાર મુજબ વડોદરામાં રહેતી,  પોતાના પતિથી છૂટી થયેલ અને એનું પોતાનું એની માતા અને સંતાન સહિત ત્રણેનું ગુજરાન ચલાવવા આખો દિવસ દરમિયાન નોકરી કરીને રાત્રીના સમયે અભ્યાસ કરી દશમું ધોરણ ભણેલ ફરહીન વોરાની કોલેજમાં પ્રવેશ મેળવી ડીગ્રી મેળવવાની અદમ્ય ઇચ્છા પૈસાના અભાવે પૂરી નહોતી કરી શકતી.

પરંતુ પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ગીતિકાબહેન પટેલને આ છોકરી બાબતમાં જાણ થતાં એમણે આ છોકરીની ઇમાનદારી અને ભણવાની અદમ્ય ઇચ્છા જોઇ એને એમની કોલેજમાં દાખલ કરાવી અને એણે ભરવાપાત્ર દરેક પ્રકારની ફી માફ કરી એ નિરાધાર છોકરીને ભણવા માટે પ્રોત્સાહિત કરી એટલું જ નહીં, પરંતુ એની ભણતરની જિજ્ઞાસા સંતોષી એનું ગુજરાન સારી રીતે ચલાવી શકે  એ માટે એને લાયક નોકરીની વ્યવસ્થા પણ કરી આપી.

આ સમાચાર વાંચતાં લાગ્યું કે  શૈક્ષણિક ક્ષેત્રે આજે પણ એવી સંવેદનશીલ વ્યક્તિઓ છે, જે પૈસાના અભાવે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માંગતી યોગ્ય વ્યક્તિઓને શક્ય તે સહકાર અને સહાય કરી એમનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થઇ રહ્યાં છે. વંદન છે ગીતિકાબહેન પટેલને, જેમણે મહેનત કરી જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવાની અદમ્ય ઇચ્છા ધરાવતી ફરહીન વોરાને શૈક્ષણિક ક્ષેત્રે એનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થયાં.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ફૂલોમાં શ્રેષ્ઠ ફૂલ કપાસનાં ફૂલ
શ્રેષ્ઠ ફૂલો વિશે વિદ્વાનોએ પોતાનાં મંતવ્ય બતાવ્યાં ત્યારે બધાએ જ જુદાં જુદાં ફૂલોનાં નામ આપ્યાં હતાં, પરંતુ એક વિદ્વાને સૌથી શ્રેષ્ઠ ફૂલ કપાસનું કહ્યું અને ચર્ચા વિચારણા બાદ તે  જ ફૂલ શ્રેષ્ઠ નક્કી થયું કારણ કે કપાસની ખેતી થકી ફૂલ ઊગે અને એ ફૂલમાંથી કપાસ બને એ કપાસમાંથી રૂ નીકળે એ રૂ ને કાંતવામાં આવે તો તેનો ધાગો બને અને એ ધાગામાંથી કોટન (ખાદી )કાપડ બને અને  એ  કાપડ માનવીની નગ્નતાને ઢાંકે છે એટલે ફૂલોમાં શ્રેષ્ઠ ફૂલ કપાસનાં ફૂલને જ  માન્યતા મળી (પછીથી બીજા  જે પણ કાપડ બન્યા છે તે બધા જ સિન્થેટિક  યાર્નમાંથી બન્યા છે )
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top