Sports

IPL 2022: ગુજરાત ટાઇટન્સનું થીમ સોંગ થયું લોન્ચ, તમે સાંભળ્યું..?

મુંબઈ: આઇપીએલ 2022નો (IPL 2022) ક્રેઝ ચાહકોની સાથે ખેલાડીઓમાં પણ જોવા મળી રહ્યો છે. આઈપીએલ 2022ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે. તે જ સમયે, આ વખતે આઈપીએલ 2022માં બે નવી ટીમો આવી છે. આ બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) છે. આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સની કપ્તાની ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના (Hardik Pandya) હાથમાં છે, જ્યારે લખનઉ કપ્તાની કેએલ રાહુલને સોંપવામાં આવી છે. આ દરમિયાન આઈપીએલ 2022 ની શરૂઆત થવાના એક દિવસ પહેલા જ ગુજરાત ટાઇટન્સ દ્વારા થીમ સોંગ (Theme Song) લોન્ચ કરવામાં આવ્યું છે.

ગુજરાત ટાઈટન્સ દ્વારા ‘આવવા દે..’ ગીત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતાં જ વાયરલ થયું

ગુજરાત ટાઇટન્સનું નવું થીમ સોંગ
આઇપીએલ 26 માર્ચથી શરૂ થઈ રહી છે. તે જ સમયે, નવી આઇપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સે તેનું થીમ સોંગ સોશિયલ મીડિયા પર લોન્ચ કર્યું છે. આ ગીતમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા, ઓપનર શુભમન ગિલ અને ઓલરાઉન્ડર રાહુલ ટીવેટીયા જોવા મળી રહ્યાં છે. ગુજરાતના લોક કલાકાર આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત ગુજરાતી સંસ્કૃતિની સાથે એકતાનું પ્રતીક છે. આ ગીત લોન્ચ થયા પછી ટાઇટન્સના ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવાનું શરૂ કર્યું છે. આ ગીતને તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર શેર કરતાં ગુજરાત ટાઇટન્સે કેપ્શનમાં લખ્યું કે આવો, બધા કહો – આવવા દે, આવવા દે! (Bring it on)

આવવા દે’નો શ્રેય આદિત્ય ગઢવીને ફાળે
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સના થીમ સોંગ ‘આવવા દે’નો શ્રેય ગુજરાતી લોક કલાકાર અને ગાયક આદિત્ય ગઢવીને જાય છે. આદિત્ય ગઢવી ગુજરાતના પ્લેબેક સિંગર અને ગીતકાર છે. તેણે ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મી ગીતો રજૂ કર્યા છે અને ઘણા ચાર્ટમાં સ્થાન મેળવ્યું છે. તે આ ગીત દ્વારા ગુજરાતની ઉર્જા, ચરિત્ર અને ઓળખ આપવા માંગે છે. જણાવી દઈએ કે આઇપીએલની 15મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ 28 માર્ચે લખનઉ સુપરજાયન્ટ્સ સામે તેની પ્રથમ મેચ રમશે. આઈપીએલની આ સીઝનમાં જ આ બે નવી ટીમોએ એન્ટ્રી કરી છે.

સોંગમાં હાર્દિક પંડ્યાનો સ્ટેડિયમમાં હેલિકોપ્ટર શોટ્સ
ઉલ્લેખનીય છે કે આ થીમ સોંગમાં ગુજરાતી સંસ્કૃતિ અને બોલચાલની ભાષાનો ઉપયોગ કરીને બનાવમાં આવ્યું છે. જ્યારે વાત ગુજરાતની આવે તો તેનું રાજ્યગીત ‘જય જય ગરવી ગુજરાત’ કેવી રીતે ભૂલી જવાય. આ સોંગની શરૂઆત જ ‘જય જય ગરવી ગુજરાત’ના નારાથી થાય છે. ત્યારબાદ જાણે અન્ય ટીમને પડકાર આપતું હોય તે રીતે આવવા દે થીમ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ગુજરાતના વિવિધ સ્થળે તેનું શૂટ કરવામાં આવ્યું છે. સોંગમાં હાર્દિક પંડ્યાએ સ્ટેડિયમમાં હેલિકોપ્ટર શોટ્સ મારતો નજરે પડી રહ્યો છે. આદિત્ય ગઢવીએ આ સોંગ વિશે જણાવતા કહ્યું હતું કે આ સોન્ગ જ્યારે ગુજરાતની મેચ દરમિયાન સ્ટેડિયમમાં વાગશે ત્યારે લોકો ‘હોવે હોવે’નો રિપ્લાય આપવા આતુર થઈ જશે.

Most Popular

To Top