અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારતનો (India) પહેલો લિથિયમ (Lithium) આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Plant) શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાણંદ (Sanand) ખાતે આ પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્લાન્ટને ગુજરાત સરકારની (GujaratGovernment) નવી ઈલેક્ટ્રોનિક્સ પોલિસીનો (ElectronicsPolicy) લાભ સાથે સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ બે તબક્કામાં સ્થપાશે. પહેલાં તબક્કામાં 13 હજાર કરોડ અને બીજા તબક્કામાં 26 હજાર કરોડનું રોકાણ કરાશે. આ સાથે વાર્ષિક 20 ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
ગુજરાતના સાણંદ ખાતે શરૂ થનારો આ પ્લાન્ટ ભારત માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. હાલમાં ભારતની લિથિયમની કુલ જરૂરિયાત પૈકી 70 ટકા લિથિયમ ચીન મોકલે છે. સાણંદનો પ્લાન્ટ સફળ થાય તો દેશની જરૂરિયાતનો 70 ટકા લિથિયમ આ એક જ પ્લાન્ટમાંથી મળી રહે તેવો જાણકારોનો દાવો છે. વળી, આ પ્લાન્ટના લીધે કુલ 13 હજાર લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટને ગુજરાત સરકારની નવી ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ વિનામૂલ્યે ટોકન દરે જમીન ફાળવવામાં આવશે. તેમજ કેપિટલ ખર્ચ સહાય પેટે સરકાર 200 કરોડ આપશે.
આ પ્રોજેક્ટ અંગે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા અને ટાટા ગ્રુપની (Tata) સબસિડિયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના (AgratasEnergyStorageSolution) સીઈઓ વચ્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CMBhupendraPatel) હાજરીમાં એમઓયુ થયો છે. ભારત વર્ષ 2030 સુધીમાં 100 ટકા ઈલેક્ટ્રીક વાહન ઉપયોગ કરતો દેશ બનશે. આ કરારના લીધે 50 ટકા કાર્બન ઉત્સર્જન અને નેટ ઝીરો કાર્બન ઈમિશનના ટાર્ગેટને સાકાર કરવામાં મદદ મળશે.
દરમિયાન સરકારે એવી જાહેરાત પણ કરી છે કે પ્રોજેક્ટની ગુજરાત સરકારની નવી ઈલેક્ટ્રોનિક્સ પોલિસી પ્રમાણે કેપિટલ સપોર્ટ તરીકે ખર્ચના 20 ટકા અને મહત્તમ રૂ. 200 કરોડ સુધીની સહાય કરશે. કંપનીને ભાડા, વેચાણ કે ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશન ફી ભરવી પડે તેમાંથી મુક્તિ મળશે. કંપનીને 5 વર્ષ માટે 1 રૂપિયા પ્રતિ યુનિટ દીઠ વીજળી મળશે.
ભારતમાં લિથિયમનો કેટલો ભંડાર છે?
ભારતમાં પહેલીવાર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો હતો. ભારત હજુ પણ લિથિયમ માટે ચીન પર નિર્ભર છે. હવે એવું માનવામાં આવે છે કે ચીનનો એકાધિકાર ખતમ થઈ જશે. 2021-22 દરમિયાન, GSI એ અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાનમાં લિથિયમ અને સંલગ્ન ખનિજો પર 5 પ્રોજેક્ટ હાથ ધર્યા છે. પરિણામે જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. તાજેતરમાં મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમ રિઝર્વની પુષ્ટિ કરી છે.
ભારતમાં લિથિયમના ઉત્પાદનને પગલે ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
બજારમાં વિવિધ પ્રકારની બેટરીઓ ઉપલબ્ધ છે, જેમાં લિથિયમ-આયન બેટરી, સોલિડ સ્ટેટ બેટરી, નિકલ-મેટલ હાઇડ્રાઇડ બેટરી, લીડ-એસિડ બેટરી અને અલ્ટ્રાકેપેસિટર્સનો સમાવેશ થાય છે. જો કે, લિથિયમ-આયન બેટરી સૌથી વધુ લોકપ્રિય છે લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ હાલમાં મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનોમાં થાય છે.
ભારતમાં લિથિયમના પ્લાન્ટ શરૂ થતા સૌથી મોટો ફાયદો ઇલેક્ટ્રિક વાહન ઈન્ડસ્ટ્રીને થશે, આનાથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે. બેટરી ઉત્પાદનમાં લિથિયમની કિંમત લગભગ 15 ટકા છે. આવી સ્થિતિમાં, જો ભારત લિથિયમના પુરવઠા માટે વિદેશથી આયાત પર નિર્ભરતા ઘટાડે છે અને અહીં લિથિયમ રિઝર્વમાંથી સપ્લાય કરવામાં આવે છે, તો તેની અસર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પર પણ પડશે. સામાન્ય રીતે, એકલા બેટરીની કિંમત કોઈપણ ઇલેક્ટ્રિક વાહનની કુલ કિંમતના લગભગ 40 થી 45 ટકા જેટલી હોય છે. જો આપણે ભારતીય અનામતમાંથી લિથિયમનો ઉપયોગ કરીએ તો બેટરીની કિંમતમાં 5 ટકાનો ઘટાડો થઈ શકે છે.