આજકાલની સુખ સગવડભરી લાઈફમાં જો તમને એવી ખબર પડે કે પાણી-કાપ માટે તૈયાર થઈ જાઓ તો પત્યું, મોતિયા જ મરી જાય. પાણી કાપ આવે તો માણસનાં મગજમાં જાતજાતનાં વિચારો આવે અને ક્યારેક તો સ્ટ્રેસ પણ થઈ જાય. કરકસર કરીને પાણી વાપરવું પડે અને જો મોટા ફેમિલી હોય કે જે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એ લોકોને તો ટેન્શન જ થઈ જાય. આવી પરિસ્થિતિમાં પણ આપણા સુરતીલાલાઓ પાણી બચાવવા કેવા કેવા નુસખા અજમાવે છે તે જાણીએ….
પાણી વિનાનું જીવન પાણી વિનાનું જ છેઃ અનિલ કાપડીયા
અનિલભાઈ કહે છે કે પાણી નહીં આવવાનું હોય ને તો અમારે કુદરતી અકુદરતી નિત્યક્રમો કરકસરથી પતાવવા પડે. ક્યારેક ન્હાયા વિના ઘરેથી નીકળી જવાનું. ફેક્ટરી કે ઓફિસમાં ચાન્સ મળે તો ત્યાં ન્હાઈ નાંખવાનું. અનિલભાઈ વધુમાં ઉમેરે છે કે પાણી નહીં આવવાનું હોય ને તો હું મારી પત્નીને પણ કહી દઉં. ઘણાં વખતથી પિયર ગઈ નથી તો જઈ આવ. ત્યાં જ જમવાનું ગોઠવી દેજે. ક્યારેક તો આગળથી નક્કી હોય તો અમે બહારગામની ટૂર પણ મારી લઈએ. ટૂંકમાં અનિલભાઈ એવું કબૂલે છે કે પાણી વિનાનું જીવન પાણી વિનાનું જ છે.
ક્લબ-રિસોર્ટનું સભ્યપદ બહુ કામ લાગે
બદલાતી લાઈફસ્ટાઈલ સાથે હવે તો ઘણાં લોકો ક્લબ રિસોર્ટના સભ્ય બની ગયા છે. પાણી નહીં આવવાનું હોય ને, ત્યારે આ સભ્યપદ બહુ કામ લાગે. સંબંધી, મિત્રોને તૈયાર કરવાના અને ક્લબ-રિસોર્ટમાં પહોંચી જવાનું. નિત્યકર્મો સાથે ન્હાવાનું તો થઈ જ જાય અને મોજ-મસ્તી કરવા મળે તે નફામાં.
ન્હાય નહીં તો પણ ચાલે
અસ્સલ સુરતીની આદત તો એવી કે સ્હેજ પરસેવો થાય, શરીર ભીનું લાગે એટલે બાથરૂમમાં ઘૂસીને પાણીની ચિંતા કર્યા વિના જ ન્હાઈ લેવાનું. પણ પાણી નહીં આવવાનું હોય, તો જે હોસ્ટેલમાં લોકો બેચલર લાઇફમાં ભાગ્યે જ નાહતા હોય છે તેમ નહીં ન્હાય તો પણ ચાલી જાય એવું વલણ અપનાવે છે. એકાદ ડબલા પાણી લઈને સ્પન્ચીંગ કરી લેવાનું. જેની અસ્ત્રી ખાસ તૂટી ન હોય, ખાસ ચોળાયા ન હોય એવા કપડા પહેરી લેવાથી કમસે કમ કપડાં ધોવા પુરતું પાણી તો બચાવી શકાય. પાછી એક વાત ચોક્કસ, પરત ઘરે જતાં પૂર્વે શક્ય હોય તો લઘુ અને ગુરૂ બંને શંકાનું સમાધાન નોકરી-ધંધે જ કરી લેવાનું.
સૌની વ્હાલી ખિચડી પર જ પસંદગી ઉતરે
પાણીને રસોઈ સાથે પણ લાગેવળગે. જેટલા વ્યંજનો બનાવો એટલું પાણી વપરાય. જેથી પાણીની કરકસર કરી શકાય તેવી વાનગી સૌની વ્હાલી ખિચડી પર જ પસંદગી ઉતરે. ઓછાં પાણીએ દાળ-ચોખા ધોઈ લેવાના અને કૂકરમાં મુકી સિટી વગાડી દેવાની એટલે પત્યું. દાળ-ચોખાની સાથે જ ખિચડીમાં તેલ-ઘી, કોઈ શાકભાજી, આદુ-મરચા, મસાલા પણ ભેળવી દો એટલે આખું ભાણું જમ્યા હોય તેવો સોપો પાડી દેવાનો.
કરકસરના દિવસે મહેમાનગતિ માણી આવવાની
પાણી નહીં આવવાનું હોય ને, તો સગા-સંબંધીઓ તો જરૂર યાદ આવે. માસા-ફુવા, ભત્રીજા-ભાણેજો, મિત્રો, બધાં જ નજરની સામે આવી જાય. કોઈ બીમાર હતાં અને ખબર જોવા જવાનું રહી ગયેલું. અરે બહુ વખતથી મળ્યાં નથી અને બસ તમને જોવાની ઈચ્છા થઈ આવી. આવા બહાના, કારણો ભેગા કરીને, પિષ્ટપિંજણ એટલે કે એનાલિસીસ કરવાનું. એ બહાને સગાસંબંધીઓના ઘરે જઇને થોડો ઘણો નાસ્તો-પાણી કરવું તથા લઘુ અને ગુરુશંકા જેવી એક્ટિવીટીઝ પણ એ લોકોને ત્યાં જ પતાવી દેવામાં આવે તો પોતાના ઘરમાં પાણીની બચત થઈ જાય અને સામાવાળાને ખબર પણ નહીં પડે તે રીતે કરકસરના દિવસે મહેમાનગતિ માણી આવવાની.
મોટા વાસણો કહ્યાગરા દીકરા-દીકરી બની જાય
ખબર પડે કે પાણી નથી આવવાનું ત્યારે નજર તુરંત જ ઘર, રસોડા અને સ્ટોરરૂમમાં ફરતી થઈ જાય છે. વધુમાં વધુ પાણી કેવી રીતે સમાવી શકાય, તેવા વાસણો ધડાધડ પરેડ ચાલતી હોય તે રીતે ગોઠવાવા લાગે છે. અભરાઈએ ચઢાવેલા બેડા, મોટા તપેલા, પવાલીઓ કહ્યાગરા દીકરા-દીકરીની જેમ નીચે ઉતરી જાય છે. એટલું જ નહીં, રોજેરોજ કપડાને ઘસી ઘસીને નિચોવી, ધોઈને પછી મોટાભાગે આરામ ફરમાવતું વોશિંગ મશીન દુઃખમાં સહભાગી થવાનું હોય તે રીતે પાણીના સંગ્રહ માટે તૈયાર થઈ જાય છે.