દેલાડ: DFCCIL(Dedicated Freight Corridor Corporation of India) અને વેસ્ટર્ન રેલવે દ્વારા ગોથાણ (Gothan) ગામમાં ગત વર્ષે જૂન-2021માં ફાટક નં.૧૪૯ (LC NO-149) જબરદસ્તી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. ફાટક (Gate) બંધ કરવાથી ૫ મિનીટનો રસ્તો હવે ૭ કિલોમીટર લાંબો થઇ જતાં ગોથાણના ખેડૂતો તથા ગ્રામજનોને ભારે તકલીફ ઉઠાવી રહ્યા છે. ફાટક બંધ કરી દેવાતા 5 મિનીટનો રસ્તો હવે 7 કિલોમીટરનો ચકરાવો થશે
- ફાટક બંધ કરવાથી ૫ મિનીટનો રસ્તો હવે ૭ કિલોમીટર લાંબો થઈ ગયો
શુક્રવારે ગોથાણ ગામ તરફથી રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીને પત્ર લખી રેલવે અંડર પાસની માંગણી કરાઈ છે. ગોથાણ ગ્રામજનોએ વર્ષ-૨૦૨૧માં સાંસદ દર્શનાબેન જરદોશનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ડેપ્યુટી મેયર દિનેશભાઈએ પણ ગોથાણ ગ્રામજનો સાથે મીટિંગ કરી હતી. પણ આજદિન સુધી અંડર પાસ બન્યો નથી કે અંડર પાસ બનવાની કોઈ દરખાસ્ત સરકારને કરવામાં આવી નથી. તા.૨૮.૦૬.૨૦૨૧ અને તા.૨૬.૦૭.૨૦૨૧ના રોજ સુરત કલેક્ટર આયુષ ઓકને પણ આ બાબતની ગ્રામજનોએ જાણ કરી હતી. તા.૩.૯.૨૦૨૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગોથાણ ગામ દ્વારા ગ્રામ પંચાયતમાં વર્ષ-જુલાઈ ૨૦૧૮ ઠરાવ પાસ કરી રેલવે અંદર પાસની માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ ઓગસ્ટ-૨૦૧૮માં પણ ગોથાણ ગ્રામજનોએ સુરત કલેક્ટરને પત્ર લખી અંડર પાસ મંજૂર કરવા માંગણી કરી હતી.
ગોથાણ ગ્રામજનોની શરૂઆતથી જ માંગણી રેલવે અંડર પાસની હતી. પણ DFCCILના અધિકારી ખોટાં ખોટાં કારણો આપી અંદર પાસની માંગણી નકારી, ગોથાણ ગામના પશ્ચિમ દિશામાં હઝીરા સ્ટેટ હાઇવેને જોડતો એક રસ્તો બનાવી, ફાટકનો એક વૈકલ્પિક રસ્તો ગણાવી ફાટક હંમેશ માટે બંધ કરી દીધી હતી. જેને લઇ ગોથાણ ગ્રામના ખેડૂતો તથા લોકો ભારે તકલીફ ઉઠાવી રહ્યા છે.
ફાટક બંધ કરવાથી ૫ મિનીટનો રસ્તો હવે ૭ કિલોમીટર લાંબો થઇ ગયો છે. ગરીબ કુટુંબના નાના છોકરા ગોથાણની સરકારી પ્રાથમિક શાળા માટે હજીરા સ્ટેટ હાઇવે ઉપરથી ૭ કિલોમીટર ચાલીને આવે છે. જે ખૂબ જ જોખમી છે. દવાખાનાં તેમજ દુકાન અને રોજબરોજના કામ માટે ગરીબ કુટુંબ ૭ કિલોમીટરનો ફેરાવો ફરી ગામમાં આવે છે. ગોથાણ ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન ગોથાણની પૂર્વ દિશામાં રેલવેની બીજી બાજુ આવી હોવાથી ખેડૂતોએ બળદ ગાડાં, ટ્રેક્ટર, સાઇકલ, મોટરસાઇકલ લઈ ૭ કિલોમીટરનો ફેરાવો ફરવો પડે છે.
ગ્રામજનોને રોંગ સાઈડનો ઉપયોગ કરવાની નોબત
DFCCILએ આપેલો વૈકલ્પિક રસ્તો હજીરા સ્ટેટ હાઇવે ઉપર છે. જેના માટે હજીરા સ્ટેટ હાઇવે ઉપરના બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેના માટે બંને બાજુ સર્વિસ રોડ બનાવાયો નહીં હોવાથી ગ્રામજનોએ રોંગ સાઈડનો ઉપયોગ કરવો પડે છે. જે ખૂબ જ જોખમભર્યો છે. કેમ કે, આ સ્ટેટ હાઇવે પર મોટા ટ્રકો, ૪૦ ફૂટ તથા ૨૦ ફૂટનાં લાંબા કન્ટેનર્સ આવતાં હોય છે. આ હજીરા સ્ટેટ હાઇવે હજીરા પોર્ટ અને NH ૪૮ને જોડે છે.