તારીખ 27-12-22ના ‘ગુજરાતમિત્ર’માં ‘શિક્ષણ-સંસ્કાર’ કોલમના લેખક કાર્તિકેય ભટ્ટે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારની જે ગંદકીઓ પ્રવર્તી રહી છે તેનો વેધક અને સચોટ ચિતાર આપ્યો છે તે બદલ તેમને અભિનંદન! તેમના લખાણમાંથી નિમ્નલિખિત મુદ્દા ફલિત થાય છે જે શિક્ષણના સાચા (રીપિટ: ‘સાચા’) હિતચિંતકો માટે ચિંત્ય (ચિંતા કરવા યોગ્ય તેમ જ ચિંતન કરવા યોગ્ય) છે. અપવાદ બાદ- 1. આઝાદીનાં 75 વર્ષ પછી પણ સ્વચ્છતા-અભિયાન ચલાવવું પડે એ કેવી વિડમ્બના! 2. શિક્ષણ સિવાયના ક્ષેત્રના પ્રતિનિધિ શિક્ષણના વહીવટમાં આવવાથી રાજકારણીઓ, માથાભારે તત્ત્વો સત્તામંડળોમાં બેસી ગયાં છે. 3. વર્ગ ખંડોમાંથી વિદ્યાર્થીઓ ગાયબ થઈ ગયાં છે. 4. વારંવાર લેવાતી પરીક્ષાઓએ શિક્ષણ ખોરવી નાંખ્યું છે. 5. અનેક સંસ્થાઓમાં શૌચાલયો કે પીવાના પાણીની વ્યવસ્થા નથી અને જ્યાં છે ત્યાં બિસ્માર હાલતમાં છે. કાર્તિકેય ભટ્ટના આ મુદ્દાઓમાં પૂરક બને એવા જે કેટલાક મુદ્દાઓ ઉલ્લેખ પામ્યા નથી તેમાં કાયમી ભરતીનો વીંટો વળાઈ ગયો છે તે, શિક્ષકોને અપૂરતો, અધૂરો પગાર, કામના નિયત કલાકો કરતાં યેનકેન વધુ સમય માટે રોકી રાખવાની કુચેષ્ટા, નિયત કરતાં વધુ કાર્યભાર લાદવો, અવારનવાર ખરા ખોટા કારણે દબડાવ-તતડાવવા, છૂટવાના સમયે જ મીટિંગો ગોઠવી, કાયમ ભયભીત રાખવા આ બધી ગંદકીઓ વિશે પણ ભટ્ટસાહેબ વિગતે લખશે એવી અપેક્ષા.
સુરત – વિજય શાસ્ત્રી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જેવુ ઘડતર તેવું વળતર
જેવુ ઘડતર તેવું વળતર આ અંગે ક્યાંક વાંચ્યું તે ઘણો સુંદર સંદેશ આપે છે. લોખંડના એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઉપજે. જો લોખંડના ટુકડામાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઉપજે. આ જ લોખંડના ટુકડામાંથી જો તે ટુકડાની બધી સોય બનાવી નાખો તો ૬૦૦ રૂપિયા ઉપજે. થોડુક વઘુ , નાળ કે સોયના બદલે ઘડિયાળના ઝીણા ઝીણા કાંટા અને કેટલા વાગ્યા તે જોવા માટે અંક બનાવી વેચીએ તો ૫૦,૦૦૦/- રૂપિયા ઉપજે. લોખંડનો ટુકડો તો એનો એ જ છે પણ તેનું ઘડતર તમે કેવું કરો છો તેવું તેનું મૂલ્ય. માનવ જીવન પણ કંઇક આવું જ છે. જેવું ઘડતર તેવું વળતર.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.